(એજન્સી) તા.રપ
ઉત્તરપ્રદેશના બિજનૌરમાં બર્થ-ડે પાર્ટીમાંથી પરત ફરી રહેલા કિશોર-કિશોરીને ઘેરીને તેમની સતામણી કરવામાં આવી હતી. અન્ય ધર્મની યુવતી સાથે રસ્તા પર ચાલવા માટે આ યુવક પર ધર્માંતરણ વિરોધી કાયદા (લવ જેહાદ) અંતર્ગત કેસ દાખલ કરાયો છે. આ મુસ્લિમ કિશોર છેલ્લા એક અઠવાડિયાથી જેલમાં બંધ છે. તેની પર ૧૬ વર્ષની હિન્દુ કિશોરીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવાયો છે. જો કે કિશોરી અને તેની માતા બંનેએ આ આરોપને નકારી કાઢયો છે. ૧૬ વર્ષીય યુવતીએ વારંવાર કહ્યું છે કે લવ જેહાદના તમામ આક્ષેપો સંપૂર્ણ પણે ખોટા છે અને તે યુવક મારો મિત્ર છે મેં મેજિસ્ટ્રેટ સમક્ષ આ કહ્યું છે અને ફરીથી પણ કહેવા તૈયાર છું. તે માણસોને મારા મિત્ર સાથે ચાલવામાં વાંધો હતો, તેઓએ મારો વીડિયો બનાવ્યો છે અને હવે તેને લવ જેહાદ કહી રહ્યા છે. મેં કશું ખોટું કર્યું નથી. ૧૪ ડિસેમ્બરની રાત્રે, લગભગ દસ વાગ્યે, આ બંને મિત્રો તેમના દોસ્તની જન્મ દિવસની પાર્ટીમાંથી પાછા ઘરે જઈ રહ્યા હતા, ત્યારે જમણેરી હિન્દુ શખ્સોના જૂથે તેમનો પીછો કરીને લાકડીઓથી માર મારતા સવાલો કર્યા હતા અને ત્યાર બાદ એમ જાણી લેતા કે બંને જુદા જુદા ધર્મોના છે, જૂથે તેમને પોલીસ સ્ટેશન જવાની ફરજ પાડી હતી. ફરિયાદમાં કહેવાયું છે કે યુવકે લગ્ન કરીને ધર્માંતરણ કરવાના ઈરાદાથી યુવતી સાથે ભાગી જવા માટે તેણીને ઉશ્કેર્યું હતું. જો કે યુવતીના પિતાએ આ પ્રકારના આરોપોને નકારી દીધા હતા. યુવતીના પિતાએ કહ્યું કે સ્થાનિક પ્રધાન દ્વારા રાજકીયકરણ કરવામાં આવ્યું હતું અને આ મુદ્દે કોમવાદ કરાઈ રહ્યું છે. મારી પુત્રીનો વીડિયો બનાવીને ખોટો દાવો કરાયો છે કે આ લવ જેહાદનો મામલો છે હું અગાઉ પ્રધાન રહી ચૂકયો છું અને ફરીથી ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યો હતો. પરંતુ તેઓએ મારી પુત્રીના મુદ્દાને શરમજનક બનાવી ગામનું ધ્રૂવીકરણ કર્યું છે.