(એજન્સી) લખનઉ, તા. ૧૭
ઉત્તરપ્રદેશના કૃષિ મંત્રી સૂર્યપ્રતાપ શાહી વિરૂદ્ધ કુશીનગરની એક સ્થાનિક અદાલતે બિનજામીનપાત્ર વોરેંટ જારી કર્યંુ છે. આ વોરંટ ૨૪ વર્ષ જુના સરકારી કામમાં અડચણ ઉભી કરવાના કેસમાં એજીએમ કસયા ચંદ્રમોહન ચતુર્વેદીએ રાજ્ય સરકારના મંત્રી સૂર્યપ્રતાપ શાહી વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરી તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. વર્ષ ૨૦૦૭થી ચાલી રહેલા આ કેસમાં એક પણ વાર હાજર નહીં થવાને કારણે શાહી વિરૂદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. એસીજેએમે કસયાના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સંપત્તિ કુર્ક કરાવવા તથા શાહીને ૧૯મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ કોર્ટ સમક્ષ હાજર કરવા આદેશ આપ્યો છે.
આ કેસ ૧૯૯૪માં સરકારી સંગ્રહ જમીન અમીન ચંદ્રિકા સિંહ તરફથી શાહી વિરૂદ્ધ કરવામાં આવ્યો હતો. કસયા પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદ અનુસાર શાહી પર સરકારી કાર્યવાહીમાં બળપૂર્વક અડચણ ઉભી કરવા અને અપરાધિક આશયથી બળપ્રયોગ અંતર્ગત આરોપ લગાવ્યા હતા. કેસની કાર્યવાહી ૨૦૦૪થી શરૂ થઇ ત્યારે શાહીએ અદાલતમાં હાજર રહી જામીન મેળવી લીધા હતા. શાહી મે ૨૦૦૭ સુધી અદાલત સામે હાજર થતા રહ્યા ત્યારબાદથી તેઓ ક્યારેય હાજર રહ્યા નહોતા. શાહી તે સમયે પાડોશી જિલ્લા દેવરિયાની પથરદેવા બેઠક પરથી ધારાસભ્ય હતા. મંગળવારે કેસની સુનાવણી કરતા એસીજેએમે કહ્યું કે, મંત્રીનું ગેરહાજર રહેવું ગંભીર અપરાધ છે અને તે બાદ તેમણે શાહી વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યંુ હતું. કોર્ટે કુશીનગર પોલીસને તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો છે. આ આદેશ પર કાર્યવાહી કરવા અદાલતે કસયા પોલીસને નોટિસ મોકલી માહિતી આપવા પણ કહ્યું હતું.
સૂર્યપ્રતાપસિંહ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના માર્ગે ભાજપમાં પ્રવેશ્યા હતા. રામ જન્મભૂમિ આંદોલનમાં શાહી સક્રીય રહ્યા હતા અને ૧૯૮૦માં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયા હતા. ૧૯૮૫માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા અને બે વર્ષ બાદ યુપી સરકારમાં મંત્રી બન્યા હતા. ૧૯૯૧માં તેમને ગૃહરાજ્ય મંત્રી બનાવાયા હતા. ૧૯૯૨માં તેમણે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંભાળ્યું હતું.આ કેસ આ કાર્યકાળ સાથે સંકળાયેલો છે. શાહી ૨૦૦૫થી ૨૦૧૫ સુધી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રહ્યા હતા. તેમના પિતા જિલ્લા સંઘના સંચાલક હતા અને કાકા જનતા પાર્ટી સરકારમા મંત્રી હતા.