(એજન્સી)    ગોંડા, તા.૧૧

રાજસ્થાનના કરૌલી પછી હવે યુપીના ગોંડામાં એક મંદિરના પૂજારી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. ગોંડાના કોતવાલી ઇટિયાથોક વિસ્તારમાં આવેલા તિર્રે મનોરમા સ્થિત રામ જાનકી મંદિરના પૂજારીને શનિવારે રાત્રે ૨ વાગ્યે હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત પૂજારીને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને લખનૌ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે અતુલ બાબા ઉર્ફે સમ્રાટ દાસ રામજાનકી મંદિરમાં પૂજા કરે છે અને છેલ્લા બે વર્ષથી અહીં રહે છે. શનિવારે રાત્રે બે વાગ્યે કેટલાક લોકો આવીને પરિસરમાં ફાયરિંગ કરી દીધી હતી. આ ઘટના પાછળ ભૂમાફિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મનોરમા ઉદગમસ્થળની સંપત્તિને લઈને કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેના માટે અહીંના મહંત સીતારામ દાસ પર પણ ગયા વર્ષે હુમલો થયો હતો. પુજારીએ ચાર આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધાવ્યો છે. જેના આધારે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. કરૌલી સપોટરા પોલીસ મથકની ગ્રામ પંચાયત બુકનામાં જમીનના વિવાદને લઈને મંદિરના પૂજારીને પેટ્રોલ નાખીને બાળી નાખવાની ઘટના સામે આવી હતી. બે દિવસ પહેલા બનેલી આ ઘટના બાદ આ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ દરમિયાન શુક્રવારે જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ પૂજારીની મૃત્યુ બાદ રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ પીડિત પરિવારના ઘરે પ્રશાસન અને નેતાઓની અવરજવર વધી ગઈ હતી. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય આરોપી કૈલાસ મીનાની ધરપકડ કરી હતી. પરંતુ આ ઘટના બાદ શોકગ્રસ્ત પરિવાર અને ગ્રામજનોએ તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો અંતિમ સંસ્કાર ન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. બે દિવસ ચાલેલા વિવાદ પછી, સરકાર, પરિવાર અને પ્રતિનિધિમંડળના સભ્યો વચ્ચે શનિવારે સાંજે સમજૂતી થઈ હતી.

 

યોગી સરકાર છેલ્લા બે વર્ષમાં ૨૦ સાધુ-સંતોની હત્યા થઈ : કોંગ્રેસ

કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં બાગપતમાં સાધુનો મૃતદેહ મળ્યા બાદ ગોંડામાં એક પૂજારીને ગોળી મારવાને લઇ યુપીના કાયદા વ્યવસ્થા પર પ્રશ્ન ઉભા થયા છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં ૨૦ સાધુઓની હત્યા થઇ છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ પોતાની એક ફેસબુક પોસ્ટમાં આ દાવો કર્યો છે. વાત એમ છે કે અજય કુમાર લલ્લૂએ કહ્યું કે ગોંડામાં રામ જાનકી મંદિરના પૂજારી સમ્રાટ દાસને ભૂમાફિયાઓએ ગોળી મારી દીધી, ભૂમાફિયાઓ અને સત્તાના ગઠજોડને યુપીના ગુનેગારના હવાલે કરી દીધા છે. અજય કુમાર લલ્લૂ એ ટ્‌વીટ કરી કે ગોંડામાં રામજાનકી મંદિરના પૂજારી સમ્રાટ દાસને ભૂમાફિયાઓએ ગોળી મારી દીધી. ભૂમાફિયાઓ અને સત્તાના ગઠજોડ એ ઉત્તર પ્રદેશના ગુનેગારોના હવાલે કરી દીધા છે. સરકારની જવાબદારી શૂન્ય છે, સીએમની સંવેદના મરી છે. આ કથિત રામરાજ્ય છે જ્યાં કોઇ સુરક્ષિત નથી. યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ એ એક ફેસબુક પોસ્ટમાં પણ યુપી સરકાર પર નિશાન સાંધ્યું. ફેસબુક પોસ્ટમાં તેમને એક મેપ પણ પોસ્ટ કર્યો જેમાં એ ઉલ્લેખ હતો કે પ્રદેશમાં કયાં-કયાં સાધુઓને નિશાન બનાવ્યા છે.