(એજન્સી) તા.ર૭
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે દિવસ પહેલાં કરેલી જાહેરાત અંગે યુ-ટર્ન લીધો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, જો અન્ય રાજ્યો યુપીના મજૂરોને રોજગાર આપે છે તો તે માટે તેમને યુપી સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. આ જાહેરાતના કારણે મોટો વિવાદ ઊભો થતાં હવે એક સત્તાવાર પ્રવકતાએ કહ્યું હતું કે, સરકાર પર્યટન વિભાગના નિયમોમાં આગોતરી પરવાનગીની આ શરતને સામેલ નહીં કરે. યુપી સરકારના પ્રવકતાએ આ પણ કહ્યું હતું કે, રાજ્યમાં પરત ફરેલા સ્થળાંતરિત મજૂરોને નોકરી અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે પંચના ગઠનની તૈયારીઓ થઈ રહી છે. લગભગ ર૬ લાખ સ્થળાંતરિતો રાજ્યમાં પરત ફર્યા છે અને તેમના કૌશલ્યને ધ્યાનમાં રાખી તેમને નોકરી અપાવવાની કવાયત ચાલી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ પંચના ગઠન અંગે ચર્ચા કરી હતી, સાથે સાથે અન્ય રાજ્યોને અમારી જનશક્તિને રોજગાર આપવા માટે પૂર્વ મંજૂરી નહીં લેવી પડે તે પણ નક્કી કરવામાં આવ્યું હતું.