(એજન્સી) નવી દિલ્હી, તા.૯
ગત સપ્તાહે ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં આઠ પોલીસની હત્યા કરી નાસતો ફરતો કુખ્યાત અપરાધી નાટ્યાત્મક રીતે ગુરૂવારે સવારે મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ઝડપાયો હતો. આ હાઈવોલ્ટેજ ઘટનાક્રમમાં છ દિવસ સુધી ચાર રાજ્યોના રસ્તા ખૂંધ્યા બાદ છેવટે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર ગિરફતમાં આવ્યો હતો. અહેવાલ મુજબ ૭૦૦ કિ.મી.ની માર્ગ યાત્રા બાદ દુબે ઉજ્જૈન પહોંચ્યો હતો તેની ધરપકડના ઘટનાક્રમ અંગે અલગ-અલગ નિવેદનો આવી રહ્યા છે.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, મંદિરના સુરક્ષા ગાર્ડે તેને ઓળખી કાઢી પોલીસને માહિતી આપી હતી. અન્ય એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે સવારે સાત વાગ્યે મંદિરના પાછલા બારણેથી પ્રવેશતા તેને ઓળખી કાઢવામાં આવ્યો હતો. જ્યારે બીજા એક નિવેદનમાં જણાવાયું હતું કે, મંદિર માટે પૂજાનો સામાન ખરીદતી વખતે એક દુકાનદારે તેને ઓળખી બતાવ્યો હતો.
પહેલાં દુબેએ બોગસ ઓળખપત્ર રજૂ કર્યું હતું જે ખૂબ યુવા વ્યક્તિનું હતું અને તેના નામનો છેલ્લો શબ્દ ‘‘પોલ’’ હતો જે મામલે પૃચ્છા કરતાં તે ઉશ્કેરાયો હતો અને મંદિરના સુરક્ષા ગાર્ડને માર માર્યો હતો. ત્યારબાદ ગાર્ડ તેને પોલીસ પાસે લઈ ગયો હતો. અન્ય એક નિવેદનમાં તેણે મંદિરમાં સાચું નામ લખાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. જો કે, એ સ્પષ્ટ થઈ શકયું નથી કે ગઈકાલે ફરિદાબાદ, હરિયાણામાં દેખાયા બાદ દુબે ઉજ્જૈન કઈ રીતે પહોંચ્યો. પોલીસના જણાવ્યા મુજબ દુબે ફરિદાબાદમાં દેખાયા બાદ રાજસ્થાનના કોટા ગયો હતો. જ્યાંથી તે ઉજ્જૈન ગયો હતો. દુબે પોતાની કારમાં જ હતો. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે, પોલીસ માટે આ એક મોટી સફળતા છે. દુબે એક ક્રૂર હત્યારો છે. આખા મધ્યપ્રદેશની પોલીસ એલર્ટ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સંપર્કમાં છે અને હત્યારો ઉત્તરપ્રદેશ પોલીસને સોંપશે.
તેની ધરપકડ બાદ એ સવાલો મહત્ત્વના છે કે, હત્યા કર્યા બાદ દુબે કઈ રીતે નાસી છૂટયો. આટલા દિવસ ક્યાં રોકાયો ? કઈ રીતે ઉજ્જૈન પહોંચ્યો ? તેણે કઈ રીતે મુસાફરી કરી ?
ઉત્તરપ્રદેશના આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુરે જણાવ્યું હતુું કે, અમે વિકાસ દુબેની ધરપકડ કરી નથી તેણે ઉજ્જૈનમાં આત્મસમર્પણ કર્યું હતું. આટલા મોટા હુમલાને અંજામ આપ્યા બાદ પણ અમે તેને પકડી શકયા નહીં તે સતત નાસતો ફરતો રહ્યો જેની તપાસ થવી જોઈએ. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સવાલો ઊભા કરતાં જણાવ્યું હતું કે, દુબે પકડાયો કે તેણે આત્મસમર્પણ કર્યું હતું. સરકારે આ વાતની સ્પષ્ટતા કરવી જોઈએ તેની કોલ ડિટેઈલ પણ જાહેર કરવી જોઈએ.