(એજન્સી) તા.રર
ઉત્તરપ્રદેશના હરદોઇ જિલ્લાના ગોપામાં વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્યામ પારેખે પોતાના જ પક્ષની સરકારના ખદબદી રહેલા ભ્રષ્ટાચારના મુદ્દાઓને વારંવાર ઉઠાવવાનું ચાલું રાખ્યું છે. મંગળવારે તેમણે તેમના ફેસબુક પેજ ઉપર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, હાલની સરકાર ઉત્તરપ્રદેશના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ ભ્રષ્ટ સરકાર છે. તે ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે, હાલ યોગી સરકારના શાસનમાં ભ્રષ્ટાચાર તેની ચરમસીમાએ પહોંચી ગયો છે.
યોગી સરકાર ઉપર પોતાની ટીકાઓની ઝડીઓ વરસાવતા પારેખે વધુમાં કહ્યું હતું કે મેં મારા સમગ્ર રાજકીય જીવનમાં ક્યારેય આટલી હદે ભ્રષ્ટાચાર ફેલાયેલો જોયો નથી જેટલો હાલ હું જોઉ રહ્યો છું અને સાંભળી રહ્યો છું, જે કોઇ વ્યક્તિ ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરે છે તે અધિકારી પોતે જ તે ફરિયાદમાંથી પૈસા વસુલ કરવાનું શરૂ કરી દે છે. હવે તો એમ લાગે છે કે ભ્રષ્ટાચારનો ક્યારેય અંત આવશે નહીં. ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકાર સામે આ કોઇ પહેલીવાર પ્રશ્ન નથી ઉઠાવ્યો. આ અગાઉ ગત એપ્રિલમાં પણ તેમણે ધારાસભ્યોને વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવતા ભંડોળનો દુરૂપયોગ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, કેમ કે તેમણે કોવિડ-૧૯ સામેના જંગમાં પોતાનું યોગદાન આપવાના હેતુથી પીપીઇ કિટ, સેનિટાઈઝર અને અન્ય સાધનોની ખરીદી માટે રૂા. ૨૫ લાખનું દાન આપ્યું હતું, પરંતુ આ સાધનોની ખરીદીમાં પણ મોટાપાયે થઈ રહેલાં ભ્રષ્ટાચારને જોતાં તેમણે હરદોઇ જિલ્લાના ચીફ ડેવલપમેન્ટ ઓફિસરને પત્ર લખીને પોતાના દાનની રકમ પાછી આપી દેવાની માંગ કરી હતી. ગત ૧૬ એપ્રિલના તેમના પત્રમાં પારેખે કહ્યું હતું કે, ચીફ ડેવલોપમેન્ટ ઓફિસરે મેડિકલ ઉપકરણોની ખરીદી માટે નાણાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ એક કટોકટીનો સમય હતો તેથી પ્રજાના પ્રતિનિધિ તરીકે સરકારે મારા નાણાંનું શું કર્યું તે જાણવાનો મને અધિકાર છે, તેથી મેં તપાસ કરી, પૂછપરછ કરી, પરંતુ મને ક્યાંયથી કોઇ યોગ્ય જવાબ મળ્યો નહોતો. જો કે હું તો એમ જ માનતો હતો કે સરકારે ખરીદીની પ્રક્રિયા ઝડપી કરી હશે અને તમામ સાધનોની ખરીદી પણ સરૂ થઇ ગઇ હશે એમ શ્યામ પારેખે તે સમયે એક પત્રકારને કહ્યું હતું. તેમણે સ્પષ્ટ દાવો કર્યો હતો કે, હરદોઇના હોસ્પિટલના અધિકારી કમિશનની માંગણી કરતા હતા.