(એજન્સી) લખનૌ, તા.૯
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ૬૯ હજાર શિક્ષકોની ભરતીમાં કથિત ગેરરીતિઓ મુદ્દે યોગી સરકાર પર નિશાન સાધ્યો હતો. યૂપીની પ્રભારી પ્રિયંકા ગાંધીએ તેની તુલના મધ્યપ્રદેશમાં થયેલા ‘‘વ્યાયમ કૌભાંડ’’ સાથે કરી હતી. તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો આ કિસ્સામાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસ આંદોલન કરશે. કોંગ્રેસ મહાસચિવે ટ્‌વિટ કર્યું હતું કે, ‘‘૬૯,૦૦૦ શિક્ષકોની ભરતીમાં થયેલુ કોભાંડ ઉત્તરપ્રદેશનો ‘‘વ્યાયામ કોભાંડ’’ છે ડાયરીઓમાં વિદ્યાર્થીઓના નામ, પૈસાની લેવડ-દેવડ, પરિક્ષા કેન્દ્રોમાં મોટાપાયે ફેરફારો, આ ગેરરીતિઓમાં રેકેટનું સામેલ હોવું આ બધુ દર્શાવે છે કે, તેના તાર ઘણી જગ્યાઓ સાથે જોડાયેલા છે.’’ તેમણે આગળ કહ્યું હતું કે, ‘‘મહેનત કરનારા યુવાનો સાથે અન્યાય ન થવો જોઈએ. પરંતુ જો સરકાર ન્યાય નથી અપાવી શકતી તો તેનો જવાબ આંદોલન દ્વારા આપવામાં આવશે.’’ આ ઉપરાંત તેમણે શિક્ષકોની વધુ એક ભરતીના મુદ્દાને ઉઠાવતા કહ્યું હતું કે, આ જ રીતે ૬૮,પ૦૦ શિક્ષકોની ભરતીમાં પણ ગેરરીતિ આચરવામાં આવી હતી. જ્યારે યુવાનોએ આ અંગે અવાજ ઉઠાવ્યો ત્યારે પુનઃ ચકાસણી કરવામાં આવી અને પાંચ હજાર ઉમેદવારો પાસ થયાં હતા.