ગાંધીનગર,તા.૬
ભાવનગરના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માતની ઘટનામાં રાજય સરકાર દ્વારા ઘટતી કાર્યવાહી હાથ ધરીને ગંભીર રીતે ઈજા પામેલાઓને તાત્કાલિક સારવાર મળી રહે તથા જરૂર પડે ન્યુરોસર્જનથી માડી અન્ય ખાનગી હોસ્પિટલોની પણ સેવા લઈ ઈજાગ્રસ્તોને બચાવવા કોઈ કસર ન રહે તે જોવા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં રહીને રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ અકસ્માતમાં મૃત્યુ પામેલાને રૂપિયા ૪ લાખની સહાયની જાહેરાત કરાઈ હતી. ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક જાનૈયાઓને લઈ જતું વાહન પુલિયા પરથી નીચે ખાબકતા ગંભીર અકસ્માતમાં ટ્રક નીચે ચગદાઈ જવાથી માથાના અને છાતીના ભાગે ગંભીર રીતે ઈજા થવાથી ર૬ જેટલી વ્યકિતઓના ઘટના સ્થળે તથા ચાર વ્યકિતઓના સારવાર દરમ્યાન મૃત્યુ થવાની દુઃખદ ઘટના અંગે વિધાનસભા ગૃહમાં શૂન્યકાળ દરમ્યાન ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી તાકીદની કાર્યવાહીની વિગતો જણાવી હતી. ગૃહ રાજયમંત્રીએ વધુ વિગતો જણાવતા કહ્યું કે ઘટનાની જાણ થતા જ સ્થાનિક મામલતદારે તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી વિવિધ સ્થળે સંપર્ક કરી તંત્રને કામે લગાડયું હતું. ઢસા ખાતેથી તથા આસપાસના ગામોમાંથી મળીને ચાર જેટલી ૧૦૮ને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવારના અભાવે મૃત્યુ ન પામે તે માટે તેઓને સરકારી હોસ્પિટલ સિવાય ખાનગી હોસ્પિટલોમાં પણ જરૂરી સારવાર મળી રહે તે માટે સરકારી ખર્ચે સારવારના સ્થાનિક તંત્રને આદેશો આપવામાં આવ્યા હતા. ગૃહ રાજય મંત્રીએ વધુમાં જણાવ્યું કે રંઘોળા ગામે બનેલી આ દુઃખદ ઘટના પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદના વ્યકત કરી છે. મૃત્યુ પામેલાઓને રાજય સરકાર દ્વારા પ્રત્યેકને રૂા.૪ લાખનું વળતર, સહાય આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઘોષણા કરવામાં આવી હોવાનું જણાવતા ગૃહરાજયમંત્રીએ જણાવ્યું હતું. ગૃહરાજયમંત્રીએ વધુમાં જાણાવ્યું છે અકસ્માતમાં જાન ગુમાવનાર પૈકી પાંચ મૃતકોના પરિવારજનોએ નેત્રદાન કરવાનો નિર્ણય લઈ માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું હતું.
અકસ્માતમાં મરણ પામનારની યાદી

૧. પુનાભાઈ વાલાભાઈ પરમાર (ઉ.વ.૬પ, રહે. ગામ અનીડા, તા.પાલિતાણા) ર. ધીરૂભાઈ માધાભાઈ પરમાર (ઉ.વ.૪પ રહે. ગામ અનીડા, તા. પાલિતાણા) ૩. પ્રભાબેન પ્રવિણભાઈ વાઘેલા (ઉ.વ.૪૦ રહે. અનીડા, તા.પાલિતાણા) ૪. પુંજાબેન હિંમતભાઈ મકવાણા (ઉ.વ.૧૭ ગામ શિહોર, બાલાજીનગર) પ. વસંતબેન મનસુખભાઈ મકવાણા (ઉ.વ.૪પ ગામ સિદસર બુધેલ રોડ પાણીની ટાંકીની બાજુમાં ભાવનગર) ૬. જગદીશભાઈ જીતેન્દ્રભાઈ વજાપરા (ઉ.વ.૧પ, રહે. ગામ વરલ, તા. શિહોર, જિ. ભાવનગર) ૭. શોભનાબેન દિનેશભાઈ ચૌહાણ (રહે. ગામ વરલ, રામાપીરના મંદિરની બાજુમાં) ૮.હિરાબેન લાલજીભાઈ વાઘેલા (ઉ.વ.૬પ રહે. ગામ અનીડા, તા. પાલિતાણા) ૯. વિક્રમભાઈ મનજીભાઈ વાઘેલા (ગામ કુંભણ અનીડા, તા. પાલિતાણા) ૧૦. જીણીબેન છગનભાઈ વાઘેલા (ઉ.વ.૬૦, ગામ કુંભણ, અનીડા, તા.પાલિતાણા) ૧૧. સુરેશભાઈ અરજણભાઈ મકવાણા (ઉ.વ.૩૦, ગામ કુંભણ અનીડા, તા.પાલિતાણા) ૧ર. પાર્વતીબેન જીતુભાઈ પરમાર (ઉ.વ.ર૮, ગામ ખરકડી, તા.ઘોઘા, જિ. ભાવનગર) ૧૩. કિશનભાઈ અશોકભાઈ વાઘેલા (ઉ.વ.રર, રહે. કુંભણ અનીડા, તા.પાલિતાણા) ૧૪. સુરેશભાઈ મુલજીભાઈ ડાભી (ઉ.વ.૩પ, ગામ અનીડા, કુંભણ, તા. પાલિતાણા) ૧પ. જસુબેન દિનેશભાઈ પરમાર (ઉ.વ. ૩૭, રહે. તળાજા, કાજીવાડ, જિ. ભાવનગર) ૧૬. કોમલબેન રાજુભાઈ મકવાણા (ઉ.વ.૧૮, ગામ ભીકડા, તા. ઘોઘા, જિ. ભાવનગર) ૧૭. જીતુભાઈ હિંમતભાઈ પરમાર (ઉ.વ.૩૦, રહે. ખરકડી, તા.ઘોઘા, જિ. ભાવનગર) ૧૮. વર્ષાબેન હિનેશભાઈ પરમાર (ઉ.વ.૧૬, રહે. તળાજા, કાજીવાડ, જિ. ભાવનગર) ૧૯. દિનેશભાઈ રવજીભાઈ પરમાર (ઉ.વ.૪૦, રહે. તળાજા, કાજીવાડ, જિ. ભાવનગર) ર૦. રૂપાબેન પરસોત્તમભાઈ ચૌહાણ (ઉ.વ.૧૭, રહે. વરલ, તા. સિહોર, જિ. ભાવનગર). સહિતનાઓને મૃતદેહને આજરોજ ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સ્ટાફે સરાહનીય કામગીરી બજવી બપોરે ૩ વાગ્યા સુધીમાં તમામ મૃતદેહોનું પીએમ કરી મરણ જનારના પરિવારજનોને સોંપી આપવામાં આવ્યા હતા. જ્યારે અન્ય મરણ જનારના મૃતદેહના પીએમ માટે શિહોર અને ઉમરાળા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને ભાવનગર શહેરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
છેલ્લી ઘડીયે વરરાજા કારમાં બેસીને જતાં આબાદ બચાવ

પાલિતાણાના અનિડા ગામે રહેતા પ્રવીણભાઇ વાઘેલાના પુત્ર વિજયના લગ્ન માટે બોટાદના ટાટમ ગામે જાન જઇ રહી હતી અને વરરાજા વિજય પણ ટ્રકમાં જ બેસીને જવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ કારની વ્યવસ્થા થતાં ટ્રકમાં જવાનું કેન્સલ થયું હતું અને વરરાજા વિજય કારમાં જવા રવાના થયા હતા, જેના કારણે આ અકસ્માતમાં તેમનો અદ્‌ભુત બચાવ થયો હતો. બીજીબાજુ, ૬૦થી વધુ જાનૈયાઓને લઇને નીકળેલી ટ્રકને ભાવનગર-રાજકોટ હાઇવે પર રંઘોળા ગામ પાસે ગોઝારો અકસ્માત નડયો હતો અને ટ્રક બ્રીજ પરથી નીચે નાળામાં ખાબકી હતી. જેમાં ૩૨ જાનૈયાઓના કરૂણ મોત નીપજયા હતા અને ૪૫થી વધુ ઘાયલ થયા હતા. જો કે, આ કરૂણાંતિકામાં વરરાજાનો આબાદ બચાવ થયો હતો.
વરરાજાના માતા-પિતા, દાદી, બહેન, મોટી
બા સહિતના પરિવારજનોનાં મોત

આજરોજ રંઘોળા પાસે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં વરરાજાના માતા પિતા ઉપરાંત દાદી મોટી બા બહેન સહિતના અનેક સગાઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. પ્રવિણભાઈના પુત્ર વિજયની જાન ગઢડાની ટાટમ ગામે જવા નીકળી હતી. લગ્નની ખુશીમાં સામેલ થવા માતા, પિતા, દાદી, મોટી બા, બહેન સહિતનો પરિવાર જોડાયો હતો. આ તમામના આજરોજ વાહન અકસ્માતમાં મોત નિપજ્યા હતા. આમ જ્યાં લગ્નના ગીત ગાવાના હતા ત્યાં મરસીયા ગવાયા હતા.
અકસ્માત અંગે પીએમ અને
સીએમએ ટિ્‌વટ કરી દુઃખ વ્યક્ત કર્યું

બોટાદ જિલ્લાના રંઘોળા નજીક થયેલા ગોઝારા અકસ્માતમાં મોતને ભેટેલા અને ઈજાગ્રસ્ત થયેલા લોકો પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્‌વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટિ્‌વટર હેન્ડલ પરથી ટિ્‌વટ કરતા લખ્યું છે કે આ દુર્ઘટનામાં જેમણે પણ સ્વજનો ગુમાવ્યા છે. તેમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે. અકસ્માત વહેલીતકે સાજા થઈ જાય તેવી તેમણે કામના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્‌વીટ કરી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
રંઘોળા અકસ્માત : કોંગ્રેસના કાર્યકરોને મદદરૂપ થવા આગેવાનોની અપીલ
અમદાવાદ, તા.૬
બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈ જઈ રહેલ ટ્રકને રંઘોળા નજીક નડેલા ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર પ્રત્યે દુઃખ વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ગોઝારા અકસ્માતને કારણે ૩૦ જેટલા નાગરિકોના મોત થયા છે. જેમાં મહિલા અને બાળકોનો મોટા પ્રમાણમાં સમાવેશ થાય છે. ગોઝારા અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રદ્ધાસુમન અર્પણ કરીને તેમના પરિવાર પ્રત્યે કોંગ્રેસ પક્ષ ઊંડી સંવેદના વ્યક્ત કરે છે તેમણે ભાવનગર, અમદાવાદ અને બોટાદ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને આ ગોઝારા અકસ્માત અને દુઃખદ ઘટનામાં ભોગ બનનારના પરિવારોને મદદરૂપ થવા અપીલ કરી હતી. કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા સહિતના આગેવાનોએ ભોગ બનનારાના પરિવાર તથા ઘાયલોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી.
આંબલા દુર્ઘટના પછી ભાવનગર
પંથકની મોટી કરૂણ ઘટના
થોડા વર્ષો પહેલા ભાવનગર નજીકના આંબલા ગામે એક લકઝરી બસમાં ૩૩ જેટલી દીકરીઓ ગેસનો બાટલો ફાટતા બળીને ખાખ થઈ ગઈ હતી. તે રીતે આજરોજ ભાવનગર નજીકના રંઘોળા ગામ પાસે એકી સાથે ૩રથી વધુના મોત નિપજતા આંબલા પછી ભાવનગર પંથકમાં બીજી આવી દુર્ઘટના સર્જાઈ છે. આજે ભાવનગર શહેર જિલ્લા અને ખાસ કરીને નાના એવા રંઘોળા ગામમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. રંઘોળા સહિતના આજુબાજુના તમામ ગ્રામ્યો વહેલી સવારથી જ બંધ પાળવામાં આવ્યો હતો.