ભાવનગર, તા.૭
ગઈકાલે વહેલી સવારે ૭ વાગ્યાના સુમારે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક સર્જાયેલ જીવલેણ અને ગોજારા અકસ્માતમાં આજે બુધવારે વહેલી સવારે વધુ એક ઈજાગ્રસ્ત યુવાનનું ભાવનગર શહેરની સરકારી સર.ટી. હોસ્પિટલમાં મોત નિપજતા રંઘોળા ટ્રક દુર્ઘટનામાં મૃત્યુ આંક ૩ર પર પહોચ્યો છે. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા એક વૃદ્ધને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ રંઘોળા પાસે રેલીંગ તોડીને પૂલ ઉપરથી ટ્રક નીચે ખાબકતા ગઈકાલે જે અકસ્માત સર્જાયો હતો જેમાં ૩૧ના મોત નિપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બટુકભાઈ હિંમતભાઈ કાતરીયા (ઉ.વ.૧૮) નામના યુવાનને ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ગંભીર હાલતે ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન આજે વહેલી સવારે તેનું મોત નિપજ્યું હતું. મૃત્યુ આંક ૩ર પર પહોંચ્યો છે જ્યારે મધુબેન મોહનભાઈ કોળી (ઉ.વ.૭૦) નામના વૃદ્ધાની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ૩૦થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે અને તમામની સારવાર ચાલી રહી છે.