યુવાધનને બરબાદ કરતું એમ.ડી. ડ્રગ્સ મુંબઈથી કારમાં લઈને આવતા પોલીસકર્મી સહિત ત્રણને પકડતા ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ થયો

અમદાવાદ,તા.૧૩

જયારે રક્ષક જ ભક્ષક બને તો પ્રજાની સલામતીની જવાબદારી કોણ કરશે ? અમદાવાદમાં એક પોલીસકર્મીએ જ ડ્રગ્સ માફિયાઓ સાથે  મળીને મુંબઈથી એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસકર્મી સહિત ત્રણ લોકોને રૂા.એક કરોડના એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી પાડયા હતા. તેઓની તપાસમાં અન્ય બે લોકોના નામ ખુલતા પોલીસે મુંબઈથી બંને આરોપીઓને પકડી પાડયા હતા. આમ ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાંચ લોકોને પકડી પાડયા છે. પકડાયેલા આરોપીઓમાં ડ્રગ્સના રેકેટનો મુખ્ય સૂત્રધાર શહેજાદ હુસેન તેજાબવાલા અગાઉ પણ  ડ્રગ્સ કેસમાં પકડાયો હતો. ઉપરાંત તેણે વર્ષ ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં જમાલપુર ખાડિયા બેઠકથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેમાં હારી ગયો હતો. વિગતવાર વાત કરીએ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એ.વાય. બલોચને બાતમી હતી કે શહેજાદહુસેન તેજાબવાલા અને ઈમરાન અજમેરી મુંબઈમાં રોકાઈને એમ.ડી. ડ્રગ્સ ખરીદીને તેમના માણસો દ્વારા કારમાં ડ્રગ્સનો જથ્થો અમદાવાદ મોકલી રહ્યા છે. જેના આધારે પીઆઈ આર.એસ. સુવેરા સહિતની ટીમ અમદાવાદ વડોદરા એકસપ્રેસ હાઈવે ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી વડોદરા તરફથી આવેલી કારમાંથી રૂા.૧ કરોડની કિંમતના એમ.ડી. ડ્રગ્સ સાથે આરોપી ફિરોઝખાન નાગોરી (પોલીસકર્મી), મહંમદ આરીફ ઉર્ફે મુન્નો કાજી, ઈમરાન ઉર્ફે ઈમ્મો પઢિયાર (ત્રણેય રહે. જમાલપુર)ને પકડી પાડયા હતા. તેમની કારમાંથી પોલીસ યુનિફોર્મ, બેલ્ટ, પટ્ટો ટોપી  સહિત કબજે કરવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી ફિરોઝખાન દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે જો કે, આરોપીઓની પૂછતાછમાં બહાર આવ્યું હતું કે શહેજાદ હુસેન તેજાબવાલા અને ઈમરાન અજમેરી મુંબઈથી એમ.ડી. ડ્‌્રગ્સ ખરીદી અમદાવાદ શહેરમાં લાવી જુદા જુદા વિસ્તારોમાં વેચાણ કરતા હતા. પકડાયેલા ત્રણેય આરોપીઓ ઈમરાન અજમેરી સાથે કારમાં અમદાવાદથી મુંબઈ ગયા હતા. જયાં મુંબઈમાં એક હોટલમાં રોકાયેલા શહેજાદ હુસેન અને ઈમરાન અજમેરીએ મુંબઈના ડ્રગ્સ ડીલરને ફોન કરી એક કિલો એમ.ડી. ડ્રગ્સ મંગાવ્યું હતું.  તે ડ્રગ્સ લઈને ત્રણેય આરોપીઓને અમદાવાદ લઈ જવા કારમાં રવાના કર્યા હતા. ત્યારે મુંબઈથી બહાર પોલીસ ચેકીંગમાં પકડાઈ જવાય નહીં માટે એએસઆઈ ફિરોઝખાને તેનો પોલીસ યુનિફોર્મ પહેરી લીધો હતો. ત્યાર બાદ વડોદરા એકસપ્રેસ ઉપર આવતા જ તેણે પોલીસ યુનિફોર્મ બદલી નાંખ્યો હતો. તેમ છતાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને પકડી પાડી એક ટીમ મુંબઈ રવાના કરી ડ્રગ્સના મુખ્ય સૂત્રધાર સહેજાદહુસેન તેજાબવાલા અને ઈમરાન અજમેરીને પકડી પાડયા હતા. આમ પાંચેય આરોપીઓને પકડી પાડી યુવાધનને બરબાદ કરતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરી દીધો છે.

 

 

તેજાબવાલાએ વર્ષ ર૦૧૭માં શંકરસિંહની પાર્ટીમાંથી ચૂંટણી લડી હતી

વર્ષ ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણી વખતે આરોપી શહેજાદહુસેન તેજાબવાલાએ શંકરસિંહ વાઘેલાની જનવિકલ્પ પાર્ટીમાંથી જમાલપુર-ખાડિયાની બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ વર્ષ ર૦૧૯માં એમ.ડી. ડ્રગ્સ કેસમાં તેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પકડી લીધો હતો.

 

 

અગાઉ એમડીમાં પકડાયા બાદ જામીન પર છૂટી હૈદરાબાદ જઈને શહેજાદેે ફરી ડ્રગ્સનું રેકેટ શરૂ કર્યું

એમ.ડી. ડ્રગ્સ કેસમાં પકડાયેલો આરોપી શહેજાદ હુસેન તેજાબવાલા અને ઈમરાન અજમેરી અગાઉ વર્ષ ર૦૧૯માં રૂા.૧.૪૬ કરોડના એમ.ડી. ડ્રગ્સમાં પકડાયા હતા તે કેસમાંથી સાબરમતી જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટીને જેલમાં હાજર થયા નહીં અને બંનેએ મળીને ફરીથી ડ્રગ્સનો વેપાર શરૂ કરી દીધો હતો જેમાં શહેજાદ હુસેન હૈદરાબાદથી અને ઈમરાન અમદાવાદથી સંચાલન કરતા હતા અને મુંબઈથી અમદાવાદ ડ્રગ્સ પહોંચાડવા જુદા જુદા પેંતરા અજમાવતા હતા. જેમાં હૈદરાબાદથી મુંબઈ આવીને શહેજાદ એમ.ડી. ડ્રગ્સનો ધંધો કરતો હતો. દરમ્યાન બંને આરોપીએ શાતીર દિમાગનો ઉપયોગ કરી પોલીસકર્મી ફિરોઝખાનને ડ્રગ્સ રેકેટમાં સામેલ કરી ડ્રગ્સ સપ્લાયની નવી તરકીબ અજમાવી હતી પરંતુ તેમાં સફળ થયા નહીં.

 

 

રૂા.ત્રણ લાખનું દેવું થતા ASI ફિરોઝખાન ડ્રગ્સની ડિલિવરી માટે ગયો હતો !

 

ડ્રગ્સ કેસમાં પકડાયેલા એએસઆઈ ફિરોઝખાન રૂા.ત્રણ લાખનું દેવું થઈ જતા દેવુ ભરપાઈ કરવા માટે તેણે ડ્રગ્સ માફિયાઓ સાથે મળી ડ્રગ્સની ડિલિવરી કરવા પ્રથમવાર ગયો હોવાનું ક્રાઈમ બ્રાંચના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ત્યારે સત્ય હકીકત તો વધુ તપાસમાં બહાર આવશે. જો કે પકડાયેલા આરોપીઓમાં ફિરોઝખાન નાગોરી અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ (આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર) તરીકે ફરજ નિભાવે છે. ત્યારે ફિરોઝખાન આરોપી ઈમરાન અજમેરીને ઘણા સમયથી ઓળખતો હતો. એટલે તેની સાથે મળી મુંબઈથી પોલીસ યુનિફોર્મમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવે તો રસ્તામાં પોલીસ ચેકિંગમાં બચી જવાય. તેવું માનીને મુંબઈથી કારમાં ડ્રગ્સ સંતાડીને પોલીસ યુનિફોર્મમાં એએસઆઈ ફિરોઝખાન સહિત ત્રણ આરોપીઓ અમદાવાદ આવ્યા હતા. પરંતુ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે ત્રણેયને સીટીએમ ચાર રસ્તા પાસેથી પકડી પાડ્યા હતા.