નવી દિલ્હી,તા.૯

ભારતીય હવાઇ સેના માટે ગેમચેંજર સાબિત થાય એવાં રાફેલ વિમાન પૂરેપૂરાં શસ્ત્રસજ્જ થઇને આવતી કાલે દસમી સપ્ટેંબરે ભારતીય હવાઇ સેનામાં સામેલ થશે એવી સત્તાવાર જાહેરાત કરાઇ હતી. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ અને ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન પેરી આ પ્રસંગે હાજર હશે. ફ્રાન્સના સંરક્ષણ પ્રધાનની આ ત્રીજી ભારત મુલાકાત હશે. કોરોના વાઇરસ ફેલાયા પછી જો કે આ તેમની પહેલી ભારતયાત્રા હશે. ભારતીય હવાઇ સેનાના પ્રવક્તાએ કહ્યું કે છેલ્લાં ૨૩ વર્ષમાં પહેલીવાર ભારતીય હવાઇ સેનામાં નવાં વિમાન સામેલ થશે. આ પહેલાં ૧૯૯૭માં સુખોઇ જેટ વિમાનો હવાઇ દળમાં સહભાગી થયાં હતાં. પાંચ રાફેલ જેટ વિમાનો ચાલુ વર્ષના જુલાઇની ૨૯મીએ ભારત આવી પહોંચ્યાં હતાં. ૨૦૧૬માં ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા કરાર મુજબ ૫૯ હજાર કરોડ રૂપિયામાં ભારત ૩૬ રાફેલ વિમાન ખરીદી રહ્યું હતું. એ વિમાનોનો પહેલો બેચ ચાર વર્ષ પછી આ વર્ષના જુલાઇમાં ભારત આવી પહોંચ્યો હતો. પહેલા બેચમાં આ વિમાન બનાવનારી કંપની એસોલ્ટ એવિયેશન દ્વારા દસ વિમાન આપવામાં આવ્યાં હતાં જેમાંનાં પાંચ ફ્રાન્સમાંજ રાખી મૂકાયા હતા જેથી ભારતીય હવાઇ દળના પાઇલટો ત્યાં તાલીમ લેવા જાય ત્યારે એ વિમાનનો ઉપયોગ કરી શકે.  રાફેલ વિમાનોના પહેલી સ્ક્વોડ્રનને ભારતીય હવાઇ દળના અંબાલા મથક પર અને બીજી સ્ક્વોડ્રનને પશ્ચિમ બંગાળના હાસીમારા એરબેઝ પર તહેનાત કરવામાં આવશે.