જામનગર, તા.૭
જામનગર નજીક ઠેબા ગામ પાસે આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક રીક્ષા અને ઇકો કાર વચ્ચેની ટક્કરમાં રીક્ષાના ચાલક એસ.ટી.ના નિવૃત્ત ડ્રાઇવર અને તેમના પત્ની બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. જ્યારે રીક્ષા ની અંદર બેઠેલા પાંચ મુસાફરો તેમજ એક ઈકો કાર ના ચાલક સહિત અન્ય છને નાની-મોટી ઇજા થવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોડપર ગામમાં રહેતા અને એસ.ટી.ના નિવૃત્ત ડ્રાઇવર પ્રેમજીભાઈ જશાભાઈ ચૌહાણ (૬૫)અને તેમના પત્ની સવિતાબેન (ઉં.વ ૬૦) ઉપરાંત વિજરખી ગામના નસરીનબેન રફીકભાઈ મલેક (૩૬) આરજુ બેન સલીમભાઈ લાખાણી (૨૦) સહેનાજબેન જૂનેદભાઇ (૨૫) સહિતના અન્ય પાંચ વ્યક્તિ એક રિક્ષામાં બેસીને જામનગર તરફ આવી રહ્યા હતા અને પ્રેમજીભાઈ રીક્ષા ચલાવી રહ્યા હતા.
જેઓ પોતાના પુત્રને મળવા માટે જામનગર આવતા હતા, જ્યારે રિક્ષામાં અન્ય પેસેન્જરોના વિજરખીથી જામનગર બેસાડ્યા હતા. દરમિયાન ઠેબા ગામ પાસે સામેથી પૂરપાટ વેગે આવી રહેલી એક કારના ચાલકે ટક્કર મારી દેતાં ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં રીક્ષાનું પડીકું વળી ગયુ હતું, જે અકસ્માતમાં રિક્ષાચાલક પ્રેમજીભાઈ તથા તેમના પત્ની સવિતાબેન બંનેના ઘટનાસ્થળે અંતરિયાળ મૃત્યુ નિપજ્યા હતા.
આ ઉપરાંત રિક્ષામાં બેઠેલા અન્ય પાંચ મુસાફરો તેમજ ઇકોનાં ચાલક સહિત ૬ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી.
જે અકસ્માતના બનાવ અંગે ૧૦૮ની ટીમને જાણ કરાતા ૧૦૮ની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા છે.
અકસ્માતના બનાવ અંગેની પોલીસને જાણ થતાં પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, અને બંને મૃતકોના મૃતદેહોનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. મોડપર ગામના દંપતીના મૃત્યુને લઈને પરિવારજનોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે, અને ઠેબા ગામ પાસે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
રક્ષા અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતમાં દંપતીનું મોત, ૬ને ગંભીર ઈજા

Recent Comments