(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
શહેર નજીક નંદેસરી પાસે આવેલા રડીયાપુરા ગામમાં પીવાનાં શુદ્ધ પાણીની ભારે તકલીફ છે. આસપાસનાં કેમીકલ ઉદ્યોગોનાં કારણે આ વિસ્તારનું ભુર્ગભ જળ પણ દુષિત અને કેમીકલયુકત થઇ ગયું છે. જેનાં કારણે ગામનાં લોકો પીવાનાં પાણી માટે રેલ્વે ટ્રેક ઓળંગીને પાણી લેવા જવું પડે છે. જેમાં આજે પાણી ભરવા ગયેલ ૧૮ વર્ષની યુવતીને પાટા ઓળંગતા ટ્રેનની અડફેટે મોતને ભેટી હતી. પ્રાપ્ત થતી વિગત અનુસાર નંદેસરી-રણોલી સહિતનાં ગામોમાં કેમીકલ અને અન્ય ઉદ્યોગો આવેલા છે. આ જોખમી કેમીકલયુકત પાણી ખુલ્લેઆમ છોડવામાં આવે છે. મીની નદીમાં છોડવામાં આવતા આ દુષિત પાણીને પગલે આજુબાજુનાં ગામોનું ભુર્ગર્ભ જળ કેમીકલયુકત થઇ ગયું હોવાથી પીવાલાયક પાણી રહ્યું નથી. જેથી આજુબાજુનાં ગામનાં લોકોને પીવાનું શુદ્ધ પાણી નજીકમાંથી પસાર થતી રીફાઇનરી માટે લઇ જવાતા શુદ્ધ પાણીની પાઇપલાઇનમાંથી એર વાલ્વમાંથી લીકેજ થતાં પાણીનો ઉપયોગ કરે છે. આ ગામનાં લોકો અમદાવાદ-મુંબઇ મુખ્ય રેલ્વે લાઇનનાં પાટા ઓળંગીને પાણી ભરવા જવું પડે છે. આજે રડીયાપુરા ગામની ૧૮ વર્ષની મયુરી ચૌહાણ બેડા લઇને રીફાઇનરીની પાઇપલાઇનની એર વાલ્વમાંથી પાણી ભરી ઘર તરફ જઇ રહી હતી. તે વખતે રેલ્વે ટ્રેક ઓળંગતા ટ્રેનની અડફેટે તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મયુરીનાં મોતને પગલે સમગ્ર ગામમાં માતમ છવાઇ ગયો હતો.