કોલકાતા,તા.૩
બંગાળે રણજી ટ્રોફી ૨૦૧૯-૨૦ની સેમિફાઇનલમાં કર્ણાટકને પોતાના ઘરઆંગણે ઈડન ગાર્ડન્સ, કોલકાતામાં ૧૭૪ રને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. બંગાળ ૨૦૦૬-૦૭ની સીઝન પછી પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યું છે. ત્યારે તે મુંબઈ સામે હારી ગયું હતું. મનોજ તિવારીની નજર ૧૯૮૯ પછી પહેલીવાર બંગાળને ચેમ્પિયન બનાવવા પર રહેશે.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા બંગાળે અનુસ્તૂપ મજુમદારના ૧૫૭ રન થકી ૩૧૨ રન કર્યા હતા. કર્ણાટક માટે મોરે અને મિથુને ૩-૩ વિકેટ લીધી હતી. જવાબમાં કર્ણાટકની ટીમ ૧૨૨ રનમાં ઓલઆઉટ થતા બંગાળને ૧૯૦ રનની લીડ મળી હતી. તે પછી બંગાળે બીજા દાવમાં ૧૬૧ રન કર્યા હતા અને મહેમાન ટીમને ૩૫૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. રનચેઝમાં કર્ણાટક ૧૭૭ રનમાં તંબુભેગું થયું હતું. બંગાળ માટે પ્રથમ દાવમાં ઈશાન પોરેલે ૫ અને બીજા દાવમાં મુકેશ કુમારે ૬ વિકેટ લીધી હતી. મેચમાં ૧૯૦ રન કરનાર મજુમદાર મેન ઓફ ધ મેચ બન્યો હતો.
કર્ણાટકના સ્ટાર બેટ્‌સમેન લોકેશ રાહુલ, મનીષ પાંડે અને કરુણ નાયર બેટ વડે નિષ્ફ્ળ રહ્યા હતા. રાહુલે ૨૬ અને ૦, પાંડેએ ૧૨ અને ૧૨, જ્યારે નાયરે ૩ અને ૬ રન કર્યા હતા. બંગાળ ફાઇનલમાં ૯ માર્ચે સૌરાષ્ટ્ર/ ગુજરાતના વિજેતા સામે ટકરાશે