સુરેન્દ્રનગર, તા.૬
ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી કંપની વોલાન્સિસ દ્વારા અગરિયાઓની પાણીની સમસ્યા હળવી કરવાના પ્રયાસરૂપે કેટલાક વિસ્તારોમાં ટેન્કર દ્વારા નિઃશુલ્ક પાણી વિતરણ, નિરાધાર- એકાકી જીવન જીવતા ખારાઘોડાના અગરિયા અને મીઠા કામદાર વૃદ્ધોને નિયમિત જીવન જરૂરિયાત વસ્તુઓનું વિતરણા સહિત સારસંભાળ, મીઠા કામદાર અને અગરિયાઓની દીકરીઓ માટે તમામ શૈક્ષણિક સુવિધા ધરાવતા એજ્યુકેશન સેન્ટર સહિતની સેવાનોની શરૂઆત કરવામાં આવતા અગરિયા અને મીઠા કામદાર સમુદાયમાં આનંદ જોવા મળી રહ્યો છે.
કચ્છના નાના રણમાં આવેલી ગોશ મીઠા મંડળી અને આજુબાજુના અગર વિસ્તારોને આ સેવા અંતર્ગત દરરોજ તાજુ અને સ્વચ્છ પાણી મળતું થયું છે. આ ઉપરાંત વોલાન્સિસ દ્વારા ખારાઘોડામાં નિરાધાર અને એકાકી જીવન જીવતા પંચોતર જેટલા વૃદ્ધ મીઠા કામદાર અને અગરિયાઓને કાયમ માર્ટ સીધા-સામાન સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડવા સહિત તેમની સાર-સંભાળનું સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.