કપિલે ફિલ્મ ૮૩ સાથે જોડાયેલા અનુભવો શેર કર્યા

નવી દિલ્હી, તા. ૨૨
ભારતના વર્લ્‌ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ ફિલ્મ ’૮૩’ બનાવવાના પક્ષમાં ન હતા. ટીમ ઈન્ડિયાને પહેલો વર્લ્‌ડ કપ (૧૯૮૩) મેળવનારા પૂર્વ કેપ્ટને ફિલ્મ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યા હતા. કપિલ દેવ અભિનેત્રી અને ટોક શોની હોસ્ટ નેહા ધૂપિયાના શો ‘નો ફિલ્ટર નેહા’ માં મહેમાન બનીને આવ્યા હતા.
ફિલ્મ ૮૩માં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા ભજવતો જોવા મળશે, જ્યારે દીપિકા પાદુકોણ રોમીનું પાત્ર ભજવતી નજરે પડશે. ૬૧ વર્ષના કપિલે કહ્યું કે જ્યારે તેને ખબર પડી કે દીપિકા અને રણવીર મોટા પડદા પર તેની લાઇફ સ્ટોરીની ભૂમિકા ભજવશે, ત્યારે તે ડરી ગયો. કપિલ દેવે કહ્યું, ‘હું થોડો ડરી ગયો હતો. મને લાગ્યું કે તે એક અભિનેતા છે. તમે રમતની નકલ કરી રહ્યાં છો. જ્યારે મેં તેની સાથે સમય પસાર કર્યો ત્યારે મને આશ્ચર્ય થયું કે તેણે તેના પર કેટલો સમય પસાર કર્યો છે. ગયા વર્ષે જૂન-જુલાઈમાં તેણે ક્રિકેટના મેદાન પર લગભગ આઠ કલાક વિતાવ્યા હતા અને મને ડર લાગ્યો હતો. હું એમ કહેવા માંગુ છું કે તે ખુબજ નાનો છે અને તેને નુકસાન ન થવું જોઈએ. હું તેની ચિંતા કરતો હતો. કપિલે કહ્યું કે રણવીરે આ ફિલ્મમાં તેની ભૂમિકા નિભાવવા તેની સાથે કેવી રીતે તૈયારી કરી. તેણે કહ્યું, ‘તે સાત કે આઠ દિવસ મારી સાથે હતો. આ દરમિયાન, તેણે મારી સામે એક કેમેરો મૂક્યો અને મને પૂછ્યું કે હું કેવી રીતે વાત કરું છું, હું શું કરું છું અને હું કેવી રીતે ખાઉ-પીઉ છું.