(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રર
અમદાવાદ શહેરમાંથી આવતીકાલ ર૩મીને મંગળવારના રોજ રથયાત્રા કાઢવી કે કેમ તેનો અંતિમ ચુકાદો હાઈકોર્ટ દ્વારા મોડી રાત્રે આવવાની સંભાવના છે પરંતુ કોરોનાની મહામારીને લીધે ભીડ ભેગી ન થાય તે હેતુથી દરિયાપુરના હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ જનતા કરફ્યુ રાખવા તમામ નગરજનોને દર્દભરી અપીલ કરી છે.
દરિયાપુરના મ્યુનિ. કાઉન્સિલર હસનલાલા, હિન્દુ-મુસ્લિમ આગેવાનો એડવોકેટ ઈકબાલ શેખ, રફીક નગરીવાલા, અઝીઝ ગાંધી, શેખ હમીદુલ્લાહ, મુફતી અબ્દુલ કૈયુમ, હિન્દુ આગેવાનો દિલીપ લોધા, મહેશભાઈ પંચાલ વગેરેએ આવતીકાલથી રથયાત્રા અંગે હિન્દુ-મુસ્લિમ પ્રજાને જનતા કરફ્યુ પાળવા અપીલ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, હાલમાં સમગ્ર દેશ, ગુજરાત અને અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આથી સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી શાંતિ સંમતિની મીટિંગોમાં પોલીસ અધિકારીઓ તેમજ હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ રથયાત્રાના દિવસે ઘર, મહોલ્લા કે પોળની બહાર નહીં નીકળવા અપીલ કરી જનતા કરફ્યુનો સ્વેચ્છાએ કડક અમલ કરવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રા કાઢવા કેટલાક હિન્દુ સંગઠનો તથા રાજ્ય સરકાર હાઈકોર્ટના શરણે ગયા છે. ત્યારે હાઈકોર્ટ રથયાત્રા કાઢવાની પરવાનગી આપે કે ન આપે તે અલગ પ્રશ્ન છે પરંતુ હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ તો કોરોનાની મહામારીમાં ચેપ ન ફેલાય અને લોકો સુરક્ષિત રહે તે હેતુથી જનતા કરફ્યુનો કડક અમલ કરવાનો નિર્ણય લઈ ખૂબ જ શાણપણભર્યું કામ કર્યું છે. દરિયાપુરની જેમ રથયાત્રાના રૂટ પર આવતા અન્ય વિસ્તારોની પ્રજા પણ જનતા કરફ્યુ પાળી સહયોગ આપે તેવી આગેવાનોએ અપીલ કરી જણાવ્યું છે કે, જો રથયાત્રાને મંજૂરી અપાય તો પણ ઘેર બેઠા ટીવીના માધ્યમથી દર્શન કરી શકાશે. આથી પ્રજાના વિશાળ હિતમાં લોકો બહાર ન આવે તે જરૂરી છે.