(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૭
ગયા મહિને કોરોના વાયરસના લીધે, હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી ન હતી. રથયાત્રા કાઢવા માટે નિર્ણય લેવામાં વિલંબ થયો હતો કે નહીં તે અંગે સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ કમિશનરે તેમનો જવાબ હાઈકોર્ટમાં રજૂ કર્યો છે. હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે રથ યાત્રા કાઢવા મ૪ાટેની મંજૂરી મેળવવા માટેની કોઈપણ અરજી તેમને મળી ન હતી. આ પ્રકારની અરજી સંદર્ભે પોલીસ કમિશનર, SP અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને સ્થિતિને અનુલક્ષીને નિર્ણય લેવાની સત્તા છે. રથયાત્રા સંદર્ભે પોલીસ કમિશનર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓએ મંદિરના સત્તાધીશો, આયોજકો અને ધાર્મિક વડાઓ સાથે ચર્ચા કરીને તેમને સમજાવ્યા હતા કે કોરોનાના સંકટ કાળમાં રથયાત્રા કાઢવી જોખમકારક બની રહેશે. લોકોની ધાર્મિક લાગણી દુભાઈ નહિ તે રીતે સમજાવટ પૂર્વક કામ કરવામાં આવ્યું છે અને નિર્ણય લેવામાં કોઈ વિલંબ થયો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રજૂઆત હતી કે રથયાત્રા સંદર્ભે મંજૂરી માટે કોઈ અરજી મળી નથી તેથી આ મુદ્દે નિર્ણય લેવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી અને કોઈ વિલંબ પણ થયો નથી.
બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશનરે તેમના જવાબમાં કહ્યું હતું કે રથયાત્રાના રૂટમાં આવતા તમામ પોલીસ સ્ટેશન સાથે ચર્ચા કરવામાં આવી હતી અને તેમની પાસેથી રથયાત્રા અંગે ની સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. આ પછી મંદિરના તરફથી ધાર્મિક નેતાઓ અને આયોજકો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સ્થિતિ અંગે સમજાવવામાં આવ્યા હતા.