અમરેલી, તા.૨૯
આંબરડી સફારી પાર્ક ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂ. ૨૫ કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે તૈયાર થનાર વિવિધ સુવિધાઓ માટે ઉપસ્થિત સૌને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, સાસણગીરની જેમ એશિયાટિક લાયન માટે અમરેલી જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ આંબરડી સફારી પાર્ક, ધારીને વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે વિશ્વના નકશા ઉપર અંકિત કરવામાં આવશે. આ એશિયાટિક લાયન માત્ર સાસણગીરમાં જ નહી પણ હવે આંબરડી ખાતે પણ જોવા મળશે. જેના પરિણામે આ વિસ્તારમાં દેશ-વિદેશના પ્રવાસીઓના આગમનથી આજુબાજુના લોકોને પ્રવાસન ક્ષેત્રે વધુ રોજગારી ઉપલબ્ધ થશે. આંબરડી ખાતેના આ વિકાસ કામો આવનાર બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી એશિયાટિક લાયન- આંબરડી સફારી પાર્ક, ધારી ખાતે પ્રવાસીઓને વર્લ્ડ ક્લાસ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૨૫ કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિકાસ કામોનું આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-ખાતમૂર્હુત કરાયું હતા. આ પ્રસંગે કાર્યક્રમના સ્થળે પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ વિવિધ વિકાસ કામોની તક્તિનું અનાવરણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સાસણની જેમ આવનાર દિવસોમાં આંબરડી સફારી પાર્ક પ્રચલિત થાય તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. જેનું ખાતમૂર્હુત અમે કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ આ અભિમાન નહી પણ સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાની રાજ્ય સરકારની કટિબદ્ધતા દર્શાવે છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં માત્ર ખાતમુર્હૂત જ થતાં હતા જ્યારે અમે વિકાસના કામો પૂર્ણ કરીએ છીએ. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સિંહોને વિશેષ સંવર્ધન-સંરક્ષણ પુરૂ પાડવાના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો નોંધાયો છે. ખાસ કરીને આ વિસ્તારમાં દિપડાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે આ દિપડાઓને પણ સંરક્ષિત કરવા ધારી તાલુકામાં આંબરડી પાસે આ વિસ્તારમાં નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
પ્રવાસન રાજ્યમંત્રી વાસણ આહિરે જણાવ્યું હતું કે, સાસણગીરની સાથે સાથે હવે એશિયાટિક લાયન ૪૩ ચોરસ કિ.મી.માં વિસ્તરેલા આ આંબરડી સફારી પાર્કમાં પણ વિહરતા જોવા મળશે. કુલ રૂ. ૨૫ કરોડના ખર્ચે તૈયાર થનાર નવી સુવિધાઓથી પ્રવાસીઓમાં આકર્ષણ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં કુલ ૪૩ ચોરસ કિ.મી.માં ફેલાયેલા આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રથમ ફેઝમાં પાર્કિંગ એરિયા, પ્રવેશ દ્વાર, ટિકિટ બુકિંગ સેન્ટર, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, શોવેનિયર શોપ, દિપડા માટે એન્ક્‌લોઝર, ફૂડ કોટ, એમ્ફીથિયેટર, ટોયલેટ બ્લોક અને પીવાના પાણીની વિવિધ સુવિધાઓ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રવાસન વિભાગના એમ.ડી. જેનુ દેવને સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના સ્થળે આંબરડી ખાતે અમરેલીના સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ અને મહામંત્રી, અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓક તથા વિવિધ પદાધિકારીઓ તેમજ પ્રવાસન અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં વન વિભાગના આદેશથી આંબરડી સફારી પાર્કને આગામી તા. ૨ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ પ્રવાસીઓ માટે પ્રવાસન હેતુ માટે ખુલ્લો મુકવામાં આવશે. તમામ પર્યટકોએ મુલાકાત વેળાએ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા કોવિડ -૧૯ અંગે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા ધારી વન વિભાગની એક યાદીમાં જણાવાયું છે.