(એજન્સી) નવી દિલ્હી,તા.૨૦
જ્યારથી નવા રંગ રૂપ સાથે લોકડાઉન ૪.૦ની શરૂઆત થઇ છે, ત્યારથી સરકાર દ્વારા કેટલીક છૂટછાટો પણ આપવામાં આવી છે જેમાં હવે સોમવારથી એટલે કે આગામી ૨૫મી મેથી સરકાર ઘરેલું ઉડાણો પણ શરૂ કરવા જઇ રહી છે. આ સંબંધમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તમામ એરલાઇન્સ અને એરપોર્ટને સૂચના આપવામાં આવી છે. તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોરોનાના લીધે એરપોર્ટ, એરલાઇન્સ, હવાઇ મુસાફરો અને સુરક્ષા એજન્સીઓને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી)નું પાલન કરવું પડશે. માસ્ક અને સામાજિક અંતરનું પણ ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. પુરીએ જણાવ્યું હતું કે, વિમાનમાં વચ્ચેની સીટ ખાલી રાખવામાં આવે પણ આ બાબત વ્યવહારું જણાશે નહીં આ સંબંધમાં ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે, સ્થાનિક ઉડાણોનું સંચાલન ૨૫મીમે સુધી ક્રમિક રીતે શરૂ કરવામાં આવશે. કોરોના વાયરસની સારવાર માટે જ્યારે ૨૫ માર્ચના રોજ પહેલાં લોકડાઉનને લાગુ કરવામાં હતું, ત્યારથી જ કોમર્શિયલ ઉડાણો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, તમામ એરપોર્ટ અને એરલાઇન્સને અગામી ૨૫મી મેથી ક્રમિક રીતે સ્થાનિક ઉડાણો શરૂ કરવા વિશે સૂચના આપવામાં આવી છે. જોકે યાત્રીઓની અવર-જવર માટે મંત્રાલય દ્વારા અલગથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. તેમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી) એટલે કે યાત્રા માટે અનિવાર્ય શરતો અને માપદંડો વિશે જાણકારી આપવામાં આવશે.