(એજન્સી) તા.૬
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની સરકારે રમખાણોમાં નુકસાગ્રસ્ત મસ્જિદો અને મદરેસાઓના સમારકામ માટે ભંડોળની જાહેરાત કરતાંની સાથે જ વિવાદ સર્જાઇ ગયો છે. અને આ વખતે વિરોધ કરનાર તેનો સહયોગી પક્ષ ભાજપ જ છે. નોંધનીય છે કે સમસ્તીપુર સહિત અન્ય વિસ્તારોમાં રમખાણો ફાટી નીકળ્યા બાદ મસ્જિદો અને મદરેસાઓને નુકસાન પહોંચાડાયું હતુંં. જોકે હવે બિહાર સરકાર આ લોકોને વળતર ચૂકવી રહી છે. મુખ્યમંત્રી નીતિશકુમારના વડપણ હેઠળના ગૃહમંત્રાલયે બુધવારે ગુદરી મસ્જિદ અને જિયાઉલ ઉલુમ નામના મદરેસાના સમારકામ માટે ર,૧૩,૭૦૦ રુપિયાના ફંડની જાહેરાત કરી હતી. જોકે આદેશમાં જણાવાયું હતુંં કે તાજેતરના કોમી રમખાણોમાં મસ્જિદ અને મદરેસાને નુકસાન થવાને કારણે સરકાર સમારકામ માટે આ સહાય કરી રહી છે. જોકે સરકારે વધુ રપ લાખ રુપિયાનો ભંડોળ એવા લોકો માટે જાહેર કર્યું છે જેમની ઔરંગાબાદમાં દુકાનો રામનવમીના સરઘસ દરમિયાન ફાટી નીકળેલી હિંસા દરમિયાન સળગાવી દેવામાં આવી હતી. એવી જ રીતે ૮.પ લાખ રુપિયાનું ભંડોળ નવાદા જિલ્લાના રમખાણ પીડિતો માટે ફાળવવામાં આવ્યા છે. જોકે આ તમામ મામલે જદયુનો સહયોગી પક્ષ ભાજપ જ વાંધો ઊઠાવી રહ્યો છે. સમસ્તીપુર ભાજપના નેતા રામ સુમિરન સિંહે પ્રશ્ન કર્યો હતો કે બિહારની કોમી હિંસામાં બંને સમુદાયના લોકો પીડિત બન્યા હતા. જોકે દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે બિહારની નીતિશ સરકાર દ્વારા ફક્ત કોઈ એક સમુદાયને સહાય જાહેર કરવામાં આવી છે. ભાજપના કાર્યકર્તાઓની ધરપકડ અંગે પણ તેમણે કહ્યું કે બિહારની સરકાર ભાજપના કાર્યકર્તાઓને પકડીને જેલમાં પૂરી રહી છે. જોકે આ પણ એક ભેદભાવ જ છે. જોકે બીજી બાજુ બજરંગ દળના નેતા આરએન સિંહ કહે છે કે નીતિશકુમારની સરકાર મનમાની રીતે કામગીરી કરી રહી છે. તેમણે કહ્યું કે બજરંગ દળના સભ્યો આ પગલાંનો વિરોધ કરશે. તેમણે કહ્યું કે ભાજપ હિન્દુત્વની વાત કરે છે પરંતુ તેનામાં સીધો નીતિશ પર હુમલો કરવાની હિંમત નથી. તેમણે કહ્યું કે ભાજપે આનો જવાબ નીતિશ સાથે છેડો ફાડીને જ આપવો જોઇએ.