(એજન્સી) તા.૧૯
આવતીકાલે રવિવારે જેઠ વદ અમાસના દિવસે આકાશમાં સૂર્યનાં કંકણાકૃતિ ગ્રહણનો ભવ્ય નજારો જોવા મળશે. આ દિવસે થોડી મિનિટો માટે સૂર્યનો આકાર હિરાથી ચમકતી વીંટી જેવો અને બાદમાં કંકણ એટલે કે બંગડી જેવો થઇ જશે જે ભાગ્યે જ જોવા મળતી આકાશી ઘટનાઓ પૈકીની એક ઘટના હશે. તે સાથે ૧૯૮૨થી આજદિન સુધીમાં પહેલીવાર એવું બનશે કે સૂર્યગ્રહણ અને વર્ષનો સૌથી લાંબો દિવસ એટલે કે ૨૧ જૂન એક સાથે આવશે. હવે પછી ૨૧ જૂન ૨૦૩૯ના દિવસે આ પ્રકારની અવકાશી ઘટના જોવા મળશે.
આ અદભૂત અવકાશી નજારો સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, કોંગો, ઇથિયોપિયા, દક્ષિણ પાકિસ્તાન, ઉત્તર ભારત અને ચીન સહિતના દેશોમાં જોવા મળશે. આ ગ્રહણ સવારે ૯.૧૫ કલાકે શરૂ થશે અને બપોરે ૩.૦૪ કલાકે છૂટી જશે. સૂર્ય ગ્રહણ એ એક એવી અવકાશી ઘટના છે જેમાં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એવી રીતે એક સરખી લીટીમાં આવી જાય છે કે ચંદ્ર ૯૦ ટકા સુધી સૂર્યને ઢાંકી દે છે અને સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવી શકતા નથી જેથી ધોળા દિવસે પૃથ્વી ઉપર ધારા જેવું વાતાવરણ સર્જાય છે.
સામાન્ય રીતે ચંદ્ર તેની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વીની આસપાસ ચક્કર મારે છે, હાલ તે પૃથ્વીથી સૌથી દૂરના અંતરે છે અને તે પૃથ્વીથી સૌથી દૂરના તરે હોવાથી સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેવો શક્ય નથી બનતું પરંતુ ૯૦ ટકા સુધી સૂર્ય ઢંકાઇ જાય છે જેથી આ દિવસે સૂર્યની ફક્ત કિનારીઓમાંથી કિરણો નીકળે છે તે સમયે તે કંકણ એટલે કે બંગળી જેવો આકાર ધારણ કરે છે, અને જ્યારે ચંદ્ર સૂર્યના મહત્તમ ભાગને એટલે કે ૯૯ ટકા ભાગને થોડી સેંકડો માટે ઢાંકી દે છે ત્યારે ફક્ત સૂર્યના અત્યંત થોડા ભાગમાંથ જ પ્રકાશના કિરણો નીકળતા હોય છે અને તે સમયે તે હિરાથી ચમકતી વીંટી જેવો આકાર ધારણ કરે છે.