(એજન્સી)
નવી દિલ્હી, તા.રર
ભારત અને ચીનના વચ્ચે વધતી તંગદિલી દરમિયાન દેશના સુરક્ષા મંત્રી મિત્ર દેશ રશિયા માટે રવાના થયા હતા. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રશિયામાં યોજાનાર વિજય પરેડમાં સામેલ થશે. આ વિજય પરેડમાં સામેલ થવા માટે ચીનના મંત્રી તથા મોટા અધિકારીઓ પણ રશિયા આવશે પણ રાજનાથસિંહ તણાવના પગલે ચીનના નેતાઓ સાથે કોઈ વાતચીત નહીં કરે. સુરક્ષા પ્રધાન ત્રણ દિવસના રશિયા પ્રવાસે રવાના થયા હતા. બીજા વિશ્વ યુદ્ધમાં સોવિયેત યુનિયનના વિજયને ૭પ વર્ષ પૂરા થતાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત તરફથી આ પરેડમાં ભાગ લેવા ૭પ સૈનિકોની એક ટુકડી મોકલવામાં આવી છે. આ ટુકડી પણ રશિયાની વિજય પરેડમાં રશિયન સેના તથા અન્ય દેશોની સેના સાથે ભાગ લેશે. રશિયા મુલાકાત દરમિયાન રાજનાથસિંહ રશિયન સૈનિક અધિકારીઓ સાથે ચર્ચા કરશે. હાલ કોરોના વાયરસના કારણે વિદેશ યાત્રા પર નિયંત્રણો છે ત્યારે રાજનાથની છેલ્લા ચાર માસમાં આ પ્રથમ વિદેશયાત્રા છે. રાજનાથ રશિયામાં બન્ને દેશો વચ્ચે સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા મંત્રણા કરશે.