(એજન્સી) તા.૧૧
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૨૦૦૦ની સાલથી રશિયાનું નેતૃત્વ કરી રહ્યા છે. રશિયાની સંસદે બુધવારે પણ ત્રીજા અને અંતિમ રીડિંગમાં વધુ એક વ્યાપક બંધારણીય સુધારાને મંજૂરી આપી દીધી. આ પગલાથી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ૨૦૨૪માં તેમના વર્તમાન કાર્યકાળ સમાપ્ત થયા પછી ૧૨ વર્ષ સુધી સત્તામાં ટકી રહેવાની છૂટ મળી છે.
ક્રેમલિન હસ્તક નીચલા ગૃહ, સ્ટેટ ડ્યૂમાએ બંધારણમાં સુધારો કર્યો હતો જેમાં ૩૮૦-૦ મત સાથે સુધારાને મંજૂરી આપી દેવામાં આવી હતી. જો કે, ૪૩ સભ્યો આ મતદાન વખતે ગેરહાજર રહ્યા હતા. આ પ્રસ્તાવિત સુધારા પર એક રાષ્ટ્રવ્યાપી મતદાન ૨૨ એપ્રિલે કરવામાં આવશે.
ક્રેમલિનના ટીકાકારોએ આ સુધારાને એક સનકી સુધારો ગણાવતાં આ પગલાની આકરી ટીકા કરી હતી અને દેખાવો કરવાની ચીમકી આપી હતી. કેજીબીના ૬૭ વર્ષના પૂર્વ અધિકારી પુતિન રશિયા પર ૨૦ વર્ષથી પણ વધુ સમયથી શાસન કરી રહ્યાં છે. ચાર વર્ષના બે સતત કાર્યકાળમાં રાષ્ટ્રપતિ રહ્યા પછી બંધારણને લીધે પુતિન ૨૦૦૮માં વડાપ્રધાન બની ગયા હતા અને તેમના સ્થાને તેમના નજીકના સહયોગી દિમિત્ર મેદવેદેવને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા.
તેના પછી રાષ્ટ્રપતિ પદની સમયમર્યાદાને મેદવેદેવના કાર્યકાળમાં છ વર્ષ સુધી વધારી દેવામાં આવ્યો હતો. ૨૦૧૨માં પુતિન ફરીથી ક્રેમલિનમાં રાષ્ટ્રપતિ પદે પાછા ફર્યા. ૨૦૧૮માં તેમને ફરી છ વર્ષ માટે રશિયાના રાષ્ટ્રપતિ ચૂંટાયા. બુધવારે ડ્યૂમા દ્વારા પસાર બંધારણીય સુધારા પછી પુતિનને ૨૦૨૪ પછી ફરીવાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેવાની છૂટ મળશે.