મૉસ્કો,તા.૨૪
રશિયાની રાજધાની મોસ્કોમાં ૭૫મી વિક્ટ્રી ડે પરેડનું આયોજન કરાયું છે. આ પરેડ દ્વારા રશિયાએ દુનિયાને પોતાની સૈન્ય તાકાત દેખાડી. રશિયાની આ વિક્ટ્રી પરેડનું મહત્વ આ વખતે એટલા માટે વધી ગયું કારણ કે ગલવાનમાં ભારતનું પરાક્રમ જોયા બાદ ચીન અને હિન્દુસ્તાન બંને દેશોના રક્ષામંત્રી તથા બંને દેશોની સેનાઓની ટુકડી આ પરેડમાં સામેલ થયા હતાં. આ પરેડમાં ભારતની સૈન્ય ટુકડી પણ સામેલ થઈ જેણે વિદેશી જમીન પર ભારતીય તિરંગા સાથે માર્ચ પોસ્ટ કરી.
આ પરેડ માટે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના ૧૦૫ જવાનો સામેલ થયા હતાં જ્યારે ભારતે મોસ્કોની પરેડ માટે ત્રણેય સેનાના ૭૫ સૈનિકોની ટુકડીને મોકલી હતી. જેનું નેતૃત્વ એક કર્નલ રેન્કના અધિકારીએ કર્યું. ગલવાનમાં ચીનને પાઠ ભણાવ્યાં બાદ આજે ભારતીય સેનાની ટુકડીનો જોશ પણ બમણો જોવા મળ્યો.
રાજનાથ સિંહે રશિયાના ઉપપ્રધાનમંત્રી યુરી બોરિસોવ સાથે દ્વિપક્ષીય રક્ષા સંબંધો પર ચર્ચા કરી. રશિયાના ઉપપ્રધાનમંત્રી કોરોના વાયરસ મહામારીના પ્રતિબંધો હોવા છતાં તેમને મળવા માટે હોટલમાં આવ્યાં હતાં. રાજનાથ સિંહે કહ્યું કે બંને વચ્ચે વાતચીત સકારાત્મક રહી હતી. તેમણે મને આશ્વાસન આપ્યું છે કે બંને વચ્ચે થયેલા કરારોને યથાવત રાખવામાં આવશે. માત્ર યથાવત જ નહીં પરંતુ અનેક મામલે ઓછા સમયમાં આગળ પણ ધપાવવામાં આવશે. ભારતના તમામ પ્રસ્તાવો પર રશિયા તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળી છે. ચર્ચાને લઈને સંપૂર્ણ સંતુષ્ટ છું.

પુતિન વર્ષાંતે ભારતના પ્રવાસે આવશે
ઃ મોદીના આમંત્રણનો સ્વીકાર કર્યો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પૂતિન આ વર્ષના અંત સુધીમાં ભારતના પ્રવાસે આવે એવી ધારણા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત આવવા માટે આપેલા આમંત્રણનો પુતિને સ્વીકાર કર્યો છે. હાલ મોસ્કો ગયેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના આમંત્રણને માન આપીને પુતિન આ વર્ષના અંત સુધીમાં ભારત આવે એવી ધારણા છે.