(સંવાદદાતા દ્વારા)
ઉના, તા.૧ર
ગીર જંગલમાં આજે ફરી ગાજવીજ સાથે મેધરાજા વરસી જતાં નદીઓમાં નવા નીર આવેલ અને ગીર નજીકના અમુક ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યુ હતું. ગીરગઢડાના વેળાકોટ, ઝાંઝરીયા, ધ્રાબાવડમાં બેકલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયેલ હતો. જ્યારે ધોકડવા, ખિલાવડ, નિતલી, વડલી, ચિદલકુબા, બેડીયા સહીત ગામોમાં અડધોથી ૧ ઇંચ વરસાદ વરસ્યો હતો અને ખેડૂતોના ખેતી પાકને ભારે નુકસાન થઇ રહ્યુ છે. બપોર બાદ ઉના પંથકમાં વરસાદી માહોલ વચ્ચે મેધો ગાજવીજ થતો હતો. પરંતુ વરસ્યો ન હતો. હાલ ગીરજંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદથી માલણ નદીમાં પુરઆવતા નાંદરખ ગામ સંપર્ક વિહોણુ બની ગયેલ હતું અને ગીર સહીત સમગ્ર પંથકમાં વરસાદી જેવો માહોલ સાથે ઠંડક પ્રસરી ગયેલ હતી.
ગીરગઢડા તાલુકાના મહોબતપરા ગામે રહેતા ભાવનાબેન ચિથળભાઇ કાતરીયા બપોરના સમયે પોતાના ઘરમાં હતા. એ વખતે અચાનક રહેણાંક મકાન ઉપર વિજળી પડતા ઘરના અંદર રહેલા ભાવનાબેનને પગના ભાગે ગંભીર રીતે ઇજા થઇ હતી.