ભાવનગર,તા.૧૦
પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે પતિ-પત્નીના ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીને રસોઈ સારી નથી બનાવી તેવા નજીવા કારણે તેણીને માથાના ભાગે ધોકો મારતા પત્નીનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણ્મયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામેનો હત્યાનો કેસ સાબિત માની આરોપીને આજીવન કેદની સજા અને રોકડા રૂા.પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.ફરિયાદી દિનેશ કાળુભાઈ નાયક પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે હિંમતનગર ધીરૂભાઈ ધામેલિયાની વાડીમાં ભાગીયુ રાખીને ખેત મજુરી કામ કરે છે. તેમને ગંગાબેન નામની એક બહેન હતી તેના લગ્ન ૧પ વર્ષ પૂર્વે તેજગઢ ગામ જિ.છોટાઉદેપુર ગામે રહેતા અમીચંદ દેવસીંગભાઈ નાયક સાથે કર્યા હતા. તેમના સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. તેમના બહેન અને બનેવી પણ વાળુકડ ગામે દુલાભાઈ રાઠોડની વાડીમાં ભાગીયુ રાખી ખેત મજુરી કામ કરતા હતા. ગત તા.૧૭/૧ર/૧૮ના રોજ રાત્રે ૮ વાગ્યાના સુમારે ફરિયાદી તથા તેમના કાકાના દિકરા અને તેમના પત્ની વાળુકડ ગામે ભુપતભાઈની વાડીએ હાજર હતા. તે વેળાએ ફરિયાદી ગંગાબેનની દિકરી નિશા ફરિયાદીના ઘરે આવેલ અને કહેલ કે મારી મમ્મીને મારા પપ્પા મારીને નાસી ગયેલ છે. આ વાત જાણી ફરિયાદી ઘટના સ્થળે ગયા હતા. જ્યાં તેમની બહેન ગંગાબહેન ઢાળિયામાં લોહીલુહાણ હાલતે નીચે પડેલ હતી. જોયુ તો તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં દિનેશભાઈ નાયકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉક્ત આરોપી અમીચંદ દેશીંગ નાયકની સામે ઈપીકો કલમ ૩૦ર સહિતનો ગુનો નોંધીયો હતો.આ અંગેનો કેસ આજરોજ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી અમીચંદ દેશીંગભાઈ નાયક સામે ઈપીકો કલમ ૩૦ર મુજબનો શિક્ષા પાત્ર ગુનો સાબિત માની, આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રોકડા રૂા.પાંચ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ૩૦ દિવસની સજા અદાલતે ફટકારી હતી.