ઉના, તા.૩
ઉના ભાવનગર રોડ પર આવેલ ગરાળ ગામના પાટિયા નજીક એક છકડો રિક્ષા પસાર થયો હતો. ત્યારે અચાનક ભૂંડ રસ્તા પરથી પસાર થતાં રિક્ષા ચાલકે કાબૂ ગુમાવી દેતા રિક્ષામાં બેઠેલા એક જ પરિવારના ૧૮ વ્યક્તિઓ બાળકો તેમજ મહિલા સહિતને હાથ -પગ-માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડાયેલ છે.
સીમર ગામે રહેતા રૂપાબેન વિક્રમભાઇ મકવાણા, હરદિપસિંહ વિક્રમસિંહ મકવાણા (ઉ.વ.૬ માસ) સહિતના ૧૮ વ્યક્તિઓ એક પરિવારના સભ્યો નાના બાળકો મહિલા સહિત સીમર ગામેથી સાળવા ગામે આવેલ ખોડિયાર મંદિરે માનતા હોવાથી સવારે નવ વાગ્યે છકડો રિક્ષામાં બેઠીને નીકળ્યા હતા અને ઉના ભાવનગર રોડ પર આવેલ ગરાળના પાટિયા નજીક રોડ પર અચાનક ભૂંડ આડુ ઉતરતા રિક્ષા ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા રિક્ષા પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં બેઠેલા તમામ નાના બાળકો મહિલાઓ સહિતને ગંભીર ઇજા પહોંચતા રાડારાડ કરવા લાગ્યા હતા અને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો એકત્રિ થઇ ગયેલા અને તમામ ઇજાગ્રસ્તોને કાર મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલા સહિત નાના બાળકોના હાથમાં ફેક્ચર થયેલ હોય આ અકસ્માતની જાણ તેમના પરિવારોને થતાં હોસ્પિટલે દોડી ગયા હતા.