(એજન્સી) નવી દિલ્હી, તા.૮
સોશિયલ મીડિયા પર અનેકવાર નવા વીડિયો આવતા રહે છે તેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. દરેક વ્યક્તિ એવા વિચારમાં પડી જાય છે કે આવું થઈ કેવી રીતે શકે. આવો જ એક વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તા પર એક મહિલાની ઉપરથી ભારે ભરખમ ટ્રક પસાર થઈ જાય છે. પરંતુ મહિલાને કોઈ ગંભીર ઈજા નથી થતી. આ વીડિયો લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયો તમિલનાડુનો હોય એવું કહેવામાં આવી રહ્યું છે તેને ચીનના મીડિયા પોર્ટલ સીજીટીએને ટ્‌વીટર પર શેર કર્યો છે. વીડિયો ૨ ડિસેમ્બરનો છે તેમાં જોઈ શકાય છે કે, એક વૃદ્ધ મહિલા કોઈ કામથી ઘરની બહાર ગઈ હતી. આ દરમિયાન તે ગુલાબી સાડીમાં છે અને રસ્તો ક્રોસ કરી રહી હતી. ત્યારે એક ટ્રક ત્યાંથી વળી રહ્યો હતો. ટ્રક ચાલકની નજર મહિલા પર પડી જ નહીં અને મહિલા ટ્રકની નીચે પટકાઈ ગઈ. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મહિલાની ઉપરથી ટ્રક પસાર થઈને આગળ જઈને રોકાઈ ગઈ. આ દરમિયાન મહિલા રસ્તા પર જ પડી રહી. જો કે, નસીબ સારા હતા કે મહિલા ટ્રકના ટાયરની નીચે ન આવતાં તે બચી ગઈ હતી. ટ્રક પણ ઊંચી હતી. એવામાં નીચેની જગ્યાના કારણે ટ્રક ઉપરથી પસાર થઈ ગઈ અને વૃદ્ધ મહિલાને કોઈ ગંભીર ઈજા ન થઈ. બાદમાં સ્થાનિક પોલીસે ટ્રકચાલકની વિરૂદ્ધ કેસ નોંધી લીધો અને તેની બેદરકારીથી ડ્રાઈવિંગ કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી. આ વીડિયોને અત્યાર સુધી ૯૬૦૦ વાર જોવામાં આવી ચૂક્યો છે. કેટલાક ઈન્ટરનેટ યૂઝર્સ તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.