(એજન્સી) રાંચી, તા.૨૯
દિલ્હીના નિઝામુદ્દીનમાં એક કાર્યક્રમમાં હાજરી આપી આવ્યા પછી એક મસ્જિદમાં પહોંચનાર તબ્લીગી જમાત સાથે જોડાયેલ ૧૭ વિદેશી નાગરિકોને સોમવારે રાંચીની કોર્ટે દંડ ફટકારી મુક્ત કરવાનો આદેશ આપ્યો. કોર્ટે આરોપીઓ દ્વારા ગુનાની આંશિક કબૂલાત કર્યા પછી એમને ૩-૩ મહિનાની સજા ફટકારી. જો કે, એ સજા તેઓ પહેલાં જ ન્યાયિક હિરાસતમાં ભોગવી ચૂક્યા છે. ઉપરાંત દરેક ઉપર ૨૨૦૦ રૂપિયા દંડ ફટકાર્યો હતો. કોર્ટે આદેશ આપ્યો કે, બધા જ આરોપીઓએ સજાનો સમય પૂર્ણ કર્યો છે જેથી એમની પાસેથી દંડની રકમ લઈ મુક્ત કરવા. રાંચીના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ ફહીમ કિરમાણીની કોર્ટે બધા જ ૧૭ વિદેશીઓને પોતાના દેશમાં જવા પરવાનગી પણ આપી હતી. આ મામલે આરોપીઓના વકીલે જણાવ્યું કે, બધા જ ૧૭ વિદેશી નાગરિકોને ૧૫મી જુલાઈએ ઝારખંડ હાઈકોર્ટ પાસેથી જામીન મળ્યા હતા અને એ પછી દેશના જુદા-જુદા શહેરોમાં ફરવા ગયા છે હવે નીચલી કોર્ટના આદેશ પછી તેઓ સંપૂર્ણ મુક્ત છે. આ જ મામલામાં વિદેશી નાગરિકોને મદદ કરવા બદલ આરોપી રાંચીના હાજી મેરાજને કોર્ટે ૬૨૦૦ રૂપિયા દંડ ફટકારી મુક્ત કરવા આદેશ આપ્યો.
Recent Comments