(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૬
કોરોના અટકાવવા માટે સુરતમાં રેડ ઝોનમાં અવર જવર પર સંપુર્ણ પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો આડશ દૂર કરીને બિંદાસ્ત અવર જવર કરી રહ્યાં છે. આ ઉપરાંત ક્વોરન્ટાઈન કરાયેલા પરિવારો પણ બહાર ફરી રહ્યાં હોવાથી રેડ ઝોનમાં કોરોના વધુ ફેલાય તેવી દહેશત સ્થાનિકોને થઈ રહી છે. કેટલાક લોકોની નિયમ તોડવાની કરતુતને કારણે મોટા સમુહે ભોગવવાનો વારો આવતો હોવાથી લોકોમાં ભારે રોષ છે. આવા તત્વોને અટકાવવા રેડ ઝોનમાં ફરજિયાત કરફ્યુનો અમલ કરવા માટેની માગણી સ્થાનિકો કરી રહ્યાં છે.
રાંદેરમાં કેટલાક લોકોના નિયમ તોડવાની વૃત્તિના કારણે રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. લોક ડાઉન બાદ પણ ધાર્મિક સ્થળોમાં જાહેરમાં ભેગા થતાં આ વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ ૧૩ દર્દી આવ્યા હતા. ત્યારબાદ આ વિસ્તારને ફરજિયાત ક્વોરન્ટાઈન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાંથી કોરોના ફેલાઈ નહીં તે માટે રેડ ઝોન જાહેર કરીને બેરીકેટ કરીને અવર જવર પર સપૂર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આવો કડક નિયમ હોવા છતાં પણ રાંદેર વિસ્તારમાં હજી પણ કેટલાક લોકો બેરીકેટ હટાવીને બિંદાસ્ત અવર જવર કરી રહ્યાં છે. ઉપરાંત રાંદેરમાં કોરોનાના કેસ આવ્યા છે તે પરિવારને ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન કરાયું હોવા છતાં પરિવારના સભ્યો બહાર ફરી રહ્યાં હોવાની પણ ફરિયાદ થઈ રહી છે. બેરીકેટ તોડીને પરિવાર સહિતની મહિલાઓ બિદાસ્ત અવર જવર કરતા હોવાના વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. પોલીસ અને તંત્ર દ્વારા કડકાઈ દાખવવામા આવતી હોવા છતાં પણ કેટલાક લોકો કાયદાને તોડીને અવર જવર કરતાં હોવાથી આ વિસ્તારમાં કોરોનાનો વ્યાપ વધુ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.