સુરત, તા.૯
કોરોના વાયરસને કારણે પરેશાન ભારતમાં મુસ્લિમો વિરૂદ્ધ નફરતનો માહોલ બનાવવાની કોશિશ થઈ રહી છે જેમાં રાંદેરની એક દબંગ મહિલા સબ ઈન્સ્પેક્ટરનો પણ સમાવેશ થઈ ગયો છે. ઋષભ ચાર રસ્તાથી રાંદેર ગોરાટને જોડતા એક માત્ર પ્રવેશદ્વાર પર મુસ્લિમોની રીતસરની હેરાનગતિ થઈ રહી હોવાની ફરિયાદ આખરે ગૃહપ્રધાનથી માંડીને સુરતના પોલીસ કમિશનરને કરવામાં આવી છે.
કોરોનાને અટકાવવા કલેક્ટર કચેરી, સુરત મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં કોરોના વાયરસ ફેલાવવામાં મુસ્લિમોનો હાથ હોવાની નીચલી કક્ષાની વાતો કરીને કેટલાક લોકો કટ્ટરવાદી માનસિકતાના દર્શન કરાવી રહ્યાં છે.
ઋષબ ટાવરથી ઝૈનબ હોસ્પિટલ જવાના રસ્તા પર જે પોલીસ સ્ટાફ ડિપ્લોય કરાયો છે તેમનો વ્યવહાર સ્થાનિકો સાથે ખૂબ જ આક્રમક, બિનલોકશાહીવાળું, માનવતા વિરોધી અને બંધારણ વિરોધી છે. એમાં પણ જે લેડી પીએસઆઈ દ્વારા કોરોના માટે મુસ્લિમોને જવાબદાર ગણાવવામાં આવી રહ્યાં છે. રાંદેર પોલીસના સ્ટાફે કલેક્ટર દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા કેટલાક સેવાભાવી લોકોના પાસ પણ સળગાવી દેવામાં આવ્યા હતા.
રાંદેર પોલીસ દ્વારા કરવામાં આવતી આ પ્રકારની હેરાનગતિ બાબતે શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ પોલીસ કમિશનરથી માંડીને ગુજરાતના મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન આલુપુરી ખાવા ગયેલા ગોરાટ વિસ્તારના નબીરાઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાયા પછી રાંદેર પોલીસનું વધુ એક કૃત્ય બહાર આવતા પોલીસ કમિશનરે પણ ગંભીર નોંધ લીધી હોવાની વિગતો સાંપડી રહી છે.