આણંદ,તા.૧૮
કંસારી રાઈસ મિલમાં ત્રાટકેલા તસ્કરો ૬.૨૫ લાખની મતા ભરેલી તીજોરી ઉઠાવી ગયા હતા. મળતી વિગતો અનુસાર કંસારી ગામની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા ચિરાગ મહેશકુમાર દાળીયા કંસારી જીઆઈડીસીમાં શ્રીનાથજી રાઈસ એન્ડ પલ્સ મીલમાં ડાંગરનો વ્યવસાય કરે છે, આ મીલમાં ચિરાગ પિતરાઈ ભાઈ નિરવ બંને લે-વેચનું કામકાજ સંભાળે છે. ગત રાત્રીનાં સુમારે ચિરાગ અને નિરવ બન્ને જણા મીલીંગનું કામકાજ તેમના ફીટર ચંદ્રકાન્ત ચૌહાણને સોંપી ઓફિસ બંધ કરીને ઘરે ગયા હતા. દરમિયાન મધ્યરાત્રીનાં સુમારે તસ્કરોએ મીલની ઓફીસનું તાળુ તોડી ઓફીસમાં પ્રવેશ કરી ટેબલનાં ડ્રોઅરમાંથી પાંચ હજાર રૂપિયા રોકડા તેમજ ઓફીસમાં મુકેલી તીજોરી જેમાં ૫,૯૦,૭૨૬ રૂપિયા રોકડા તેમજ ચાંદીનાં વાસણો સહીત ૬,૨૮,૭૨૬ રૂપિયાની મતા ભરેલી આખી તીજોરીની ચોરી કરી ઉઠાવીને ફરાર થઈ ગયા હતા, આજે વહેલી સવારે સાડા પાંચ વાગે મિલનાં ફીટર ચંદ્રકાન્તભાઈ ચૌહાણએ ઓફીસનું તાળુ તુટેલું જોતા તેમજ ઓફીસમાં સામાન અસ્ત વ્યસ્ત અને તીજોરી ગાયબ જોતા તેઓએ ચિરાગભાઈને ફોન કરી હકિકત જણાવતા તેઓ મીલમાં દોડી આવ્યા હતા અને ખંભાત સીટી પોલીસને જાણ કરતા પોલીસે ધટના સ્થળે દોડી જઈ ચિરાગભાઈની ફરીયાદનાં આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.