વેરાવળ, તા.૧૪
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામે રહેતા ખેડુત દેવદાસ જેમલભાઇ નકુમ તેમના પત્ની અને બે સગીર દિકરીઓ સાથે મકાનના ધાબા પર જયારે નીચે રૂમમાં તેમની માતા સાથે સગીર દિકરો બે દિવસ પૂર્વે સુતા હતા. બીજા દિવસે સવારે છ વાગ્યે દેવદાસની પત્ની વહેલી ઉઠીને જોતા તેમના ત્રણેય સંતાનો ઘરમાં ન હોવાથી શોધખોળ હાથ ધરી હતી.
દરમ્યાન જાણવા મળેલ કે બાજુના ગોહિલની ખાણ ગામે છેલ્લા આઠેક વર્ષથી દેવદસાના ખેડુતના પીતરાઇ ભાઇને ત્યાં ઘઉંની સીઝનમાં હારવેસ્ટ મશીન લઇ આવતો હરીયાણાનો ડેરી ઉર્ફે દલેરસીંગ બિંદરસીંગ એકાએક તા.૧૧ના રોજ હરીયાણા જવા નિકળી ગયેલ છે. દલેરસિંગ ઘણા સમયથી ખેડુત દેવદાસના મકાનની બાજુમાં હારવેસ્ટ મશીન રાખતો હોવાથી અવાર-નવાર તેમના ઘરે આવતો હોવાથી તે ત્રણેય સંતાનોને લાલચ આપી લઇ ગયો હોવાની શંકા ખેડુત દેવદાસે પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી.
ઉપરોકત વિગતના આધારે સુત્રાપાડા પોલીસે આરોપીનું લોકેશન મેળવવા સર્વેલન્સની મદદ લઇ શોધખોળ હાથ ધરતા દલેરસિંગનું લોકેશન આણંદ જીલ્લામાં મળેલ હતું. જેના આધારે આણંદના લીંબાસી તાબાના માલાવાડામાંથી ચોજીત્રા પોલીસ સ્ટાફે દલેરસિંગને ત્રણેય સગીર સંતાનો સાથે ઝડપી પાડયો હતો. આરોપી દલેરસિંગએ ત્રણેય સગીર પૈકી સૌથી મોટી સગીર વયની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવા તૈયારી કરી સાથે તેના સગીર ભાઇ-બહેનનું પણ અપહરણ કરી લઇ ગયો હતો. દલેરસિંગએ ત્રણેય સગીર બાળકોને પોતાના હારવેસ્ટર મશીનની ટેન્કમાં સંતાડીને લઇ જતો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવ્યાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. આણંદ પોલીસ પાસેથી સગીર ત્રણેય બાળકો અને આરોપીનો કબજોે લેવા સુત્રાપાડા પોલીસ રવાના થઇ હોવાનું જાણવા મળેલ છે.