(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૧
વડાપ્રધાન મોદી સાથે વિવાદમાં રહેલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવિણ તોગડિયા ટૂંક સમયમાં જ તેમનું પદ ગુમાવશે. ૧૪ એપ્રિલના રોજ પ્રવિણ તોગડિયા અને રાઘવ રેડ્ડીને વીએચપી બોર્ડની બેઠકમાં હોદ્દા પરથી દૂર કરાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આરએસએસના નેતૃત્વએ વિશ્વ હિન્દુ પરિષદને નિર્દેશ આપ્યો છે કે, જરૂરત પડતાં સંગઠનના સંવિધાન અનુસાર સંગઠનની ચૂંટણી પણ કરાવે. વીએચપીની બેઠકમાં સંઘના મોટા હોદ્દેદારો પણ સામેલ થશે. સંઘ ઈચ્છતો નથી કે પ્રવિણ તોગડિયા વીએચપીના કાર્યકારી અધ્યક્ષ રહે અને રાઘવ રેડ્ડી વીએચપીના અધ્યક્ષ રહે.
૧૪ એપ્રિલના રોજ સંઘના પસંદગીના નેતા વી.કોકજે વીએચપીના અધ્યક્ષ બની શકે છે. ૧૪ એપ્રિલે ગુરુગ્રામમાં કાર્યકારી બોર્ડની બેઠક મળશે. તોગડિયા અને રેડ્ડીની હોદ્દાની મુદ્દત ગયા ડિસેમ્બરમાં પૂરી થઈ ગઈ હતી. વીએચપીના નવા અધ્યક્ષની ચૂંટણી માટે ર૯ ડિસેમ્બર ભુવનેશ્વરમાં સંગઠનની કાર્યકારી બોર્ડની બેઠક થઈ હતી. આરએસએસ રાઘવ રેડ્ડીની જગ્યાએ કોકજેને અધ્યક્ષ બનાવવા ઈચ્છતા હતા. પરંતુ તોગડિયા અને સમર્થકોએ હંગામો કરી ચૂંટણી થવા દીધી ન હતી. તેથી નવા પ્રમુખની ચૂંટણી થઈ શકી ન હતી. નાગપુરમાં ગયા મહિને સંઘની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે બંનેએ તેમના પદ છોડવા પડશે. તોગડિયા અને મોદી વચ્ચે લડાઈ જૂની છે. સંઘ તેનાથી વાકેફ છે. સંઘને જાણકારી મળી છે કે, પાટીદાર નેતા હાર્દિક પટેલ અને તોગડિયા સંપર્કમાં છે તેમણે ભાજપ વિરૂદ્ધ કામ કર્યું છે. તોગડિયાની હકાલપટ્ટી માટે એક કારણ એ પણ છે કે, તોગડિયા મોદી સામે ખુલ્લેઆમ નિવેદનો ફટકારે છે. તેથી સરકાર અને ભાજપ બંને પર વિપક્ષોને હુમલો કરવાનો મોકો મળે છે. તોગડિયાએ પોતાના એન્કાઉન્ટરનો આરોપ પીએમ મોદી પર લગાવ્યો હતો. સંઘ ઈચ્છતો નથી કે ર૦૧૯ની ચૂંટણીમાં તેની સાથે જોડાયેલ સંગઠનો વચ્ચેના મતભેદો બહાર આવે. તેથી સંઘ ઈચ્છતો નથી કે તોગડિયા પ્રમુખ પદે ચાલુ રહે. વિપક્ષો જ્યારે સંગઠિત થઈ રહ્યા છે ત્યારે કોઈ સંગઠન સરકાર સામે પડે તે સંઘ ઈચ્છતો નથી.