(એજન્સી) કોલકાતા, તા.રપ
પ.બંગાળની આગામી ચૂંટણીઓ ખૂબ જ સંઘર્ષમય રહેવાની ધારણા છે એવામાં બીસીસીઆઈના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના રાજકારણમાં જોડાવવાના અનુમાનો મૂકાઈ રહ્યા છે. તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે ૩૦મી જાન્યુઆરીએ મુલાકાત કરવાના છે. મળતા અહેવાલો મુજબ શાહ ગાંગુલી સાથે એમના ઘરે કોલકાતામાં મળવાના છે. ૪૮ વર્ષીય ગાંગુલીને આ મહિનામાં હૃદયરોગનો હળવો આંચકો આવ્યો હતો. એ દરમિયાન શાહે ગાંગુલીની પત્ની સાથે વાતચીત કરી બધા પ્રકારની મદદની ખાત્રી આપી હતી. ગાંગુલી બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે ગયા મહિને મળ્યા હતા જેને લઈ અનુમાનો મૂકતા હતા કે, તેઓ બંગાળ વિધાનસભાની ૨૦૨૧ની ચૂંટણીઓ દરમિયાન રાજકારણમાં જોડાઈ શકે છે. જો કે, સૌરવ ગાંગુલીએ આ અનુમાનો નકાર્યા હતા એને કહ્યું કે, રાજ્યપાલ સાથેની મુલાકાત માત્ર સૌજન્યપૂર્ણ મુલાકાત હતી અને એને બંગાળના રાજકારણથી નહીં જોડવામાં આવે. દરમિયાનમાં શાહ બે દિવસ માટે ૩૦મી જાન્યુઆરીએ બંગાળ જઈ રહ્યા છે. એમની બંગાળની આ બીજી મુલાકાત હશે જ્યાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આજદિન સુધી બંગાળમાં ભાજપની હાજરી ન હતી એમણે ૨૦૧૯થી પોતાના પગ મજબૂત કર્યા છે. લોકસભાની ૪૨માંથી ૧૮ બેઠકો એમણે મેળવી હતી. ત્યારથી તે બંગાળમાં ટીએમસીનો મુખ્ય વિરોધ પક્ષ બની ગયો છે. હાલમાં એકતરફ ભાજપ પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યો છે એવામાં મમતાના ઘણા બધા સાથીઓ એમને છોડી ભાજપમાં સામેલ થઈ રહ્યા છે, જેના લીધે ભાજપ મમતાના શાસનનો અંત લાવવા કમર કસી રહ્યો છે.