અમદાવાદ, તા. ર૪
ગુજરાતમાં ચકચાર મચાવનારા સુરતના જયંતિ ભાનુશાળી બળાત્કાર કેસમાં આજે ફરિયાદી યુવતીનો પૂર્વ પતિ મીડિયા સામે હાજર થયો હતો. મીડિયા સામે તેણે તેની પૂર્વ પત્ની પર વ્યભિચારથી લઈને અનેક આક્ષેપ કર્યા હતા. સાથે જ તેણે પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલ પર ધમકી ભર્યો ફોન કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ તમામ મામલે છબિલ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા તેમની સામે રાજકીય કિન્નાખોરી રાખીને તેમને ફસાવવામાં આવી રહ્યાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. પત્રકારો સાથે વાતચીત કરતા છબિલ પટેલ જણાવ્યું હતું કે, મેં ચૂંટણી હરાવી એટલે મને ફસાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે. જયંતિ ભાનુશાળી પરના કેસને ડાયવર્ટ કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે. મારો અને પીડિતાના પતિનો નાર્કો ટેસ્ટ કરાવો તો ખબર પડે સત્ય શું છે. હું કાયદા નિષ્ણાતોની સલાહ લઈ રહ્યો છું. મને ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.