(એજન્સી) તા.૨૭
અગાઉ જેમ જણાવ્યું હતું તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં ભારતના જમીન અધિગ્રહણ કાયદામાં બિઝનેસ તરફી સુધારા સાથે શરુઆત કરતાં તેમને ગ્રામીણ ભારતની ખફગી વહોરી લેવી પડી હતી. થોડા મહિનાના દબાણો બાદ મોદીએ ઝૂકીને કાયદા પાછા ખેેંચવાનું શરુ કર્યુ હતું અને બિઝનેસ તરફી સુધારાથી નવા કલ્યાણવાદ તરફ આગળ વધ્યા હતા. ગત સપ્તાહે એવું જણાતું હતું કે મોદી સરકાર હવે ફરી આવું કઇક કરવા જઇ રહી છેે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે એવી જાહેરાત કરી હતી કે સરકાર ૧૨થી ૧૮ મહિના માટે નવા ત્રણ કૃષિ કાયદા સ્થગિત કરવા તૈયાર છે અને આ કાતિલ ઠંડીમાં છેલ્લા બે મહિનાથી દિલ્હીની સરહદ પર દેખાવ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોની ચિંતાને ચકાસવા માટે સમિતિ રચવા પણ સરકાર તૈયાર છે. સરકારે આ કાયદામાં કેટલાક મહત્વના સુધારા કરવાની ખાતરી આપ્યાં બાદ આ ઓફર કરી છે જે બતાવે છે કે મોદી સરકાર પારોઠના પગલાં ભરી રહી છે. આમ મોદીને કાયદાઓ સ્થગિત કરવા માટે ઓફર કરવી પડી તે આ બધી પ્રયુક્તિઓની નિષ્ફળતા દર્શાવે છે. આ કાયદાઓ સામે સરકારે ધાર્યા કરતાં વધું લાંબો વિરોધ ચાલ્યો છે અને વિરોધ કરનારાઓની સંખ્યા પણ વધી છે અને માટે જ તો દિલ્હીની સરહદે ૪૦ કિ.મી. સુધી ટ્રેક્ટરોની લાંબી લાઇન પત્રકારોને જોવામળી છે. આરએસએસના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે જો કોઇ પણ આંદોલન લાંબું ચાલે તો તે સમાજના સ્વાસ્થ્ય માટે સારી વાત નથી અને તેથી અમે ઇચ્છીએ છીએ કે આ આંદોલનનો જલ્દી અંત આવે. કેન્દ્રીય પ્રધાન તોમરે પણ જાહેર કર્યુ હતું કે જે દિવસે ખેડૂતોના આંદોલનનો અંત આવશે એ દિવસે ભારતીય લોકતંત્રનો વિજય થયો છે એવું જણાશે. આમ મોદી સરકાર નવા કૃષિ કાયદાઓના મામલે રાજકીય રીતે સંકટમાં અટવાઇ ગઇ છે. આ કૃષિ કાયદાઓ સ્થગિત કરવાની ભાજપની ફગાવી દેવામાં આવેલ ઓફર આપણને મોદીની પ્રયુક્તિઓ અંગે ઘણું બધું કહી જાય છે. વાસ્તવમાં ૧૮ મહિના સુધી કૃષિ કાયદાઓ સ્થગિત કરવાની મોદી સરકારની કાનૂની રીતે શંકાસ્પદ ઓફર ચાણક્ય ચાલ કરતાં ડેમેજ કંટ્રોલ કવાયત વધુ લાગે છે અને માટે જ કિસાન સંઘોએ આ ઓફર ફગાવી દેવાનો નિર્ણય કર્યો છે. કિસાન નેતા રાકેશ ટીકેતે જણાવ્યું હતું કે લોકોને હવે સરકારમાં વિશ્વાસ નથી. જો તેઓ થોડા સમય બાદ આ કાયદાઓનો અમલ કરે તો શું ? અને આ રીતે એક અન્ય નેતાના જણાવ્યા મુજબ આ કાયદાઓ તલવારની માફક લટકતા રહેશે અને તેથી બીજી કિસાન ચળવળ શરુ કરવી મુશ્કેલ બની જશે. કિસાન સંઘો આથી કાયદાઓને સંપૂર્ણપણે રદ કરવાની માગણી કરી રહ્યાં છે. (સૌ. : સ્ક્રોલ.ઈન)