(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.રર
રાજકોટથી કચ્છમાં દૂધ મંડળીનું ઓડિટ કરવા આવેલા વર્ગ-રના ઓડિટર રૂપિયા ત્રીસ હજારની રોકડ લાંચ લેતાં આજ રોજ ભૂજ ખાતે રંગેહાથ ઝડપાયા હતા.
આ પ્રકરણની વિગત એવી છે કે ભૂજ તાલુકાના સુમરાસર શેખ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું ઓડિટ કરવા માટે રાજકોટથી મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર શૌકતહુસૈન જેમલભાઈ હાલારી ભૂજ આવ્યા હતા. સુમરાસર દૂધમંડળીના ઓડિટ દરમ્યાન જે કંઈ અધૂરાશા હોય તે અંગે કોલ લેખિત કવેરી ન કાઢવા માટે ઓડિટર હાલારીએ દૂધ મંડળીના પ્રતિનિધિ પાસે રૂપિયા ૩૦ હજારની માંગણી કરી હતી. આ સંદર્ભે દૂધ મંડળીના પ્રમુખ વિરમ રામજી ચાડ દ્વારા તા.ર૧/૧ર/૧૭ના રોજ ભૂજ એ.સી.બી.નો સંપર્ક કરી આ છટકંુ ગોઠવ્યું હતું.
જે મુજબ તા.રર/૧રના સવારે ૧૧ વાગ્યાના અરસામાં રાજકોટથી આવેલા ઓડિટર હાલારી ભૂજમાં જ્યાં રોકાયા હતા તે ડોસાભાઈ ધર્મશાળા ખાતેના રૂમ નં.ર ર૧પમાં એ.સી.બી.એ. છટકું ગોઠવી ૩૦ હજારની રોકડ રકમ લેતા ઓડિટરને પકડી પાડ્યા હતા. ભૂજ એ.સી.બી.ના ઈન્સ્‌.પી.વી. પરગડુંએ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીથી સરકારી વર્તુળોમાં ચકચાર મચી ગઈ હતી.