અમદાવાદ, તા.૨૭
અમેરિકન નાગરિકોને ગેરકાયદે કામ અંગે ફોન કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વિદેશી નાગરિકો પાસેથી ડોલર પડાવતી ગેંગનો રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કરી સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોલ સેન્ટર ઝડપી પાડી ૩ બાળકો સહિત નવ શખ્સોની અટકાયત કરી છે.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા આલ્ફા પ્લસ કોમ્પલેક્ષમાંથી નવ શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે આ કોલ સેન્ટરનો મુખ્ય સંચાલક દેવેન્દ્ર ઉર્ફે નેનો જે મુંબઇનો રહેવાસી છે. તે હાથ લાગ્યો નથી. પોલીસે અહીંથી ત્રણ લાખથી વધુની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના આલ્ફા પ્લસ કોમ્પલેક્ષના આઠમાં માળે અમેરિકન નાગરિકો સાથે છેતરપીંડી કરતું કોલ સેન્ટર ધમધમતું હોવાની બાતમી પ્રાપ્ત થઇ હતી. જેના આધારે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન કોલ સેન્ટરમાં કામ કરતાં ધિરેન ઉર્ફે ચીકુ જેઠાલાલ કાટુઆ, સુમેર કિશોરભાઇ સોલંકી, વિક્રમ ગોપાલભાઇ ગુપ્તે, અતુલ પ્રદિપભાઇ ઇસ્ટવાલા, ઇર્ષાદ જમનભાઇ અલી, દિપ્તી નારાયણ બિષ્ટ તેમજ અન્ય ત્રણ સગીર સહિત કુલ નવ શખ્સોની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે કોલ સેન્ટરનો સંચાલક દેવેન્દ્ર ઉર્ફે નેનો જે મુંબઇ રહેતો હોય હાલ ગણેશ વિસર્જન અર્થે મુંબઇ ગયો હોવાને કારણે મળી આવ્યો નથી.
આ કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકોના મોબાઇલ પર મોટી સંખ્યામાં વોઇસ મેસેજ મોકલીને તમે ગેરકાયદેસર કામ કરતા હોવાનું જણાવી સોશિયલ સિક્યુરીટી નંબર રદ્દ કરવાની ધમકી આપવામાં આવતી હતી. તેમજ જો ફોજદારી કાર્યવાહીથી બચવું હોય તો અમેરિકન નાગરિકો પાસે વોલમાર્ટ તથા રાઇટ એડના ગિફ્ટ વાઉચર ખરીદ કરાવતા હતા અને તેનો ૧૬ આંકડાનો નંબર મેળવી ૧૦૦થી ૨૦૦ ડોલરના આ ગિફ્ટ વાઉચર વટાવી લેતા હતા. આ રીતે હજારો ડોલરની છેતરપિંડી કરતા હતા. પોલીસે પકડાયેલા તમામ શખ્સોની પૂછપરછ કરવા માટે તેમના કોવિડ ટેસ્ટ કરાવેલ છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.