• વેક્સિનેશનમાં કેટલો સમય લાગશે અને એમાં શું-શું સુધારા કરી શકાય એ જાણી શકાશે
• ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ દેશના ૪ રાજ્યમાં રાજકોટનો પણ સમાવેશ
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૮
કોરોનાની વેક્સિન આવે એ પહેલાં વેક્સિનેશનના પ્રોટોકોલ યોગ્ય છે કે નહિ એ જાણવા માટે ડ્રાઇ રન અને મોકડ્રિલ કરવા માટે રાજકોટની પસંદગી કરાઈ છે. ભારત સરકાર ની ગાઈડલાઈન મુજબ ડ્રાયગન માટે દેશભરમાં ચાર શહેરોની પસંદગી કરવામાં આવી છે તેમાં ગુજરાતમાંથી રાજકોટનો સમાવેશ થાય છે.રાજકોટમાં આવતીકાલે પાંચ જગ્યાએ સવારના ૮ થી બપોરના બે વાગ્યા સુધી યોજાનારી વેક્સિન ડ્રાઇ રન માટે આજે હેલ્થવર્કર્સને તાલીમ આપવામાં આવી હતી. કોરોના વેક્સિન ડ્રાઇ રન માટે રાજકોટની પસંદગી થઈ છે, ત્યારે રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. શહેરમાં સ્ટર્લિંગ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, શેઠ હાઈસ્કૂલ, શાળા નંબર ૩૨ અને શ્યામનગર અર્બન હેલ્થસેન્ટરમાં આવતીકાલે મંગળવારે કોરોના વેક્સિન ડ્રાઇ રન યોજાશે. એ માટે આજે તમામ હેલ્થવર્કર્સને ટ્રનિંગ આપવામાં આવી હતી. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડે જણાવ્યું હતું કે વેક્સિનેશન કર્યા બાદ લાભાર્થીને ૩૦ મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ દેશમાં ૪ રાજ્યની પસંદગી કરાઈ છે. એમાં ગુજરાતની પણ પસંદગી કરાઈ છે અને રાજકોટનો પણ સમાવેશ થાય છે. કોરોના વેક્સિન ડ્રાઇ રનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે શ્યામનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે તૈયારી કરવામાં આવી રહી હતી.રાજકોટ શહેરમાં આવી પાંચ જગ્યાએ ડ્રાઇ રન કાલે થશે. આજે સ્ટાફને ટ્રેનિંગ આપવાની સાથોસાથ સાધનસામગ્રીની પણ તૈયારી કરાઈ હતી. આવતીકાલે કોરોના વેક્સિન ડ્રાઇ રનનું અમલીકરણ કરાશે. પી.પી. રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ લાભાર્થીને મેસેજથી જાણ કરાશે. બાદમાં વેઇટિંગ રૂમમાં તેનું ફોટો-આઇડી અને એપમાં ચકાસણી થશે. ત્યાર બાદ તેને વેક્સિનેશન રૂમમાં તેનું વેક્સિનેશન કરવામાં આવશે. બાદમાં ઓબ્ઝર્વેશન રૂમમાં તેને ૩૦ મિનિટ સુધી રાખવામાં આવશે, આથી આ સમયગાળામાં તેને કોઈ તકલીફ થાય તો જાણી શકાય. આ કામગીરીમાં અમારો ૨૫૦ જેટલો સ્ટાફ કામે લાગ્યો છે. વેક્સિનેશનમાં કેટલો સમય લાગશે એ આવતીકાલે જ ખબર પડશે અને એમાં શું શું સુધારા કરી શકાય એ જાણી શકાશે.
આજથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વેક્સિનેશન બૂથ તૈયાર કરાશે તેમજ સ્ટાફને ત્યાં ડ્યૂટી ફાળવીને તહેનાત કરાશે અને સ્થળથી વાકેફ કરી દેવાશે. રસીના લોજિસ્ટિક અને કોલ્ડચેઈન માટે પણ કેટલાક ફેરફાર કરવામાં આવશે.આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓને વેક્સિનેશન માટે ડમી મેસેજ મોકલવામાં આવશે અને કો-વિન સોફ્ટવેરમાં ડ્રાઇ રન માટે જે અલગથી ઓપ્શન બનાવ્યો છે તેમાં એન્ટ્રી પણ થઈ જશે. અધિકારીઓ સ્થળ ચકાસણી પણ કરશે. વેક્સિન આવ્યા બાદ વોર્ડવાઈઝ લોકોને ઝડપથી આપી શકાય અને રસી આપવાની કામગીરી વહેલી પૂરી થાય એ માટે કવાયત કરવામાં આવી રહી છે.
Recent Comments