(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૯

રાજકોટમાં આજે આરોગ્ય સેવા લક્ષી ચાર પ્રકલ્પોના ઈ-લોકાર્પણ કરવાના કાર્યક્રમ વેળાએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ર૦રર સુધીમાં રાજકોટમાં એઈમ્સનું લોકાર્પણ કરી દેવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જ્યારે રાજકોટમાં ત્રણ જ દિવસમાં ૮૬ જેટલા કોરોના દર્દીઓનાં મોત અંગેના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ રાજ્યભરમાં જેટલા મૃત્યુ થાય છે. તેમના મૃત્યુનું કારણ માત્ર કોરોના નથી હોતું તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત પ્રમાણે ૨૦૨૨ સુધી રાજકોટ ખાતે છૈૈંંસ્જીનું લોકાર્પણ કરી દેવામાં આવશે. એટલે કે હોસ્પિટલને તૈયાર કરીને લોકોની સેવા માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે. એઈમ્સ શરૂ થતાની સાથે જ રાજકોટ ખાતે ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર ઉપલબ્ધ બનશે. આજે રાજકોટમાં ૨૦૦ બેડની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલનું ડિજિટલ લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શહેરમાં છેલ્લા ત્રણ દિવસની અંદર ૮૬ જેટલા કોરોના સંક્રમિત દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ સહિત રાજ્યભરમાં જેટલા પણ કોરોના સંક્રમિત દર્દીઓનાં મૃત્યુ નીપજે છે તેમના મૃત્યુનું કારણ માત્ર કોરોના નથી હોતું. જેટલા પણ દર્દીઓ અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે તે દર્દીઓ પૈકી ૬૦થી ૭૦ ટકા દર્દીઓ અન્ય રોગની બીમારીથી પીડાતા હોય છે.

આરોગ્ય વિભાગની કમિટીના સભ્યો દ્વારા જે પણ કોરોના સંક્રમિત દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજે છે, તે મૃત્યુ નીપજવાના પાછળના કારણને શોધે છે. હાલમાં ભારત સરકાર દ્વારા કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થયા બાદ તેની ટ્ઠેર્ંજઅ કરવાની મંજૂરી પણ ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટને મળી છે. હવે આગામી દિવસોમાં એ વસ્તુ પણ જાણી શકાશે કે કોરોના સંક્રમિત દર્દીના શરીરમાં કઈ-કઈ જગ્યાએ કોરોના વાયરસે અસર કરી છે. તેમજ કોરોના સામે લડવા માટે ક્યા-ક્યા પ્રકારની તબીબી સારવાર તેમજ દવા આપી શકાય તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં અનેક કોરોના સંક્રમિત દર્દીઓનાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં હોય છે. છતાં તંત્ર પોતાના ચોપડે કોરોના સંક્રમિત દર્દીના મૃત્યુનો આંક ઓછો બતાવે છે. આ પાછળનું કારણે ડેથ ઓડિટ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ રાજકોટમાં સતત બીજા અઠવાડિયે કોવિડ હૉસ્પિટલોમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મામલતદાર, નાયબ મામલતદારની ટુકડી બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરની ૨૪ ખાનગી કોવિડ હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓ તરફથી દર્દીઓને આપવામાં આવતી સારવાર, દર્દીઓને આપવામાં આવતા બિલ સહિતના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલો દ્વારા સાજા થયેલા દર્દીઓને પણ ડિસ્ચાર્જ ન આપવામાં આવતો હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગને મળી હતી. આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી.