અમદાવાદ, તા.ર૩
કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી જાહેર થઇ ચુકી છે આમ છતાં અમુક નાગરિકો ગંભીરતા દાખવતા નહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, વિદેશથી પરત આવેલા નાગરિકોને ફરજીયાત ૧૪ દિવસ કવોરન્ટાઇન રહેવાનું હોય છે અને જો તેનું પાલન ન કરે તો ફોજદારી ગુનો નોંધાય છે. રાજકોટમાં પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો, શહેરના મવડી વિસ્તારમાં વિનાયકનગરમાં રહેતો યુવાન બેંગકોકથી આવ્યો હોઇ તેને કવોરન્ટાઇન કરાયો હોવા છતાં તે પાન માવો ખાવા ઘરે થી નીકળી જતાં તેની સામે પોલીસે ધી એપેડેમિક ડિસીઝ એકટ હેઠળ તથા બીજી કલમો હેઠળ ગુનો નોંધી તેને ઘરેથી જામનગર રોડ પથીકાશ્રમમાં કવોરન્ટાઇનમાં મુકી દીધો છે. સમગ્ર મામલે માલવીયાનગર પોલીસે મવડી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.સમર્થ સવલાણીની ફરિયાદ પરથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના મવડી રોડ વિનાયકનગર-૧૦માં રહેતાં મહેન્દ્ર આયલાણી સામે આઇપીસી ૨૬૯, ૨૭૦, ૨૭૧, ૧૮૮, ધી એપેડેમિક ડિસીઝ એકટ ૧૮૭૯ની કલમ ૩ મુજબ આરોપી મહેન્દ્ર આયલાણી બેંગકોકથી પોતાના ઘરે પરત આવેલ હોઇ જેથી તેને હાલના કોરોનાની મહામારી સંદર્ભે તેના ઘરમાં જ ૧૪ દિવસ માટે કવોરન્ટાઇન કરેલ હોઇ અને પોતાના તરફથી કોરોના વાયરસનો ફેલાવો થશે તેવી સંભાવનાની તેને જાણ હોવા છતાં તેણે ઘરની બહાર નીકળી જઇ ગુનો આચર્યો હતો.