રાજકોટ, તા.૩૦
રાજકોટમાં કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. અહીં ખીજડિયાની ૪૫ વર્ષની મહિલા કોંગો ફિવરનો ભોગ બની છે જેના પગલે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મહિલાના રિપોર્ટને વિશેષ તપાસ માટે પુનાની લેબોરેટરીમાં મોકલાયો છે. રાજકોટ તાલુકાના ખીજડિયા ગામે રહેતા ૪૫ વર્ષના પ્રભાબેન સગરામભાઈ ખરગિયા નામના ભરવાડ મહિલા બિમારીમા સપડાતા અને સ્થાનીક તબીબની સારવાર છતાં તબિયતમાં સુધારો ન થતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબિબોએ પ્રાથમિક તપાસ કરતાં પ્રભાબેનને કથિત રીતે કોંગો ફિવરના લક્ષણો જણાંતા તેને સ્વાઈન ફલૂ વોર્ડમાં ખસેડાયા હતા. અહીં તબીબોએ મહિલાના બ્લડ સેમ્પલ લઈ પરિક્ષણ અર્થે પુના લેબોરેટરી ખાતે પરિક્ષણ અર્થે મોકલ્યા છે જેનો રિપોર્ટ પાંચ દિવસ પછી આવશે. સામાન્ય રીતે કોંગો ફિવર ચેપી રોગ છે અને ઠંડીની સિઝનમાં વધારે વકરતો હોય છે. હાલમાં રાજકોટમાં યેલો એલર્ટ જાહેર કરાયું હતું અને જબરદસ્ત ગરમી પડે છે ત્યારે આ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. ખીજડિયાની મહિલાને કોંગો ફિવર થતા ગામમાં અન્ય કોઇને આવા લક્ષણો છે કે નહી તેની તપાસ સરુ કરાવી દીધી છે. આ સિવાય પરિવારના સભ્યોને સાવચેતીની દવાઓ પણ લેવાની તબીબોએ સલાહ આપી છે.