રાજકોટ,તા.૧૭
હાલ ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કારણે ચિંતિત છે. દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથોસાથ કોરોના વાયરસના કારણે દિવસેને દિવસે મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધી કોરોના વાયરસને કારણે વિશ્વમાં ૭૦૦૦થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં કોરોના વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાવા પામ્યો છે.
ઇંગ્લેન્ડના નોટિંગહામ શહેરમાંથી પરત ફરેલા ૧૯ વર્ષીય યુવકમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેનું સેમ્પલ લેવામાં આવ્યું છે. આ સેમ્પલ તપાસ માટે અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યું છે. યુવાનનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે યુવકની અંદર કોરોના વાયરસના પોઝિટિવ લક્ષણો છે કે નહીં.
બીજી તરફ શહેરમાં સ્વાઈન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સ્વાઈન ફ્લૂનો ત્રીજો કેસ નોંધાવા પામ્યો છે. જે પૈકી બે દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. રવિવારના રોજ પડધરીની મહિલા દર્દીનું મોત સ્વાઇન ફ્લૂના કારણે થયું હતું. ગઈકાલે એટલે કે સોમવારના રોજ ઉપલેટાના વૃદ્ધાનું સ્વાઈન ફ્લૂના કારણે મોત નિપજ્યું છે.
એક તરફથી વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે બીજી તરફ રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકની અંદર સ્વાઈન ફ્લૂના કારણે બે વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.