અમદાવાદ, તા.૧૧
શંખજીરૂ જેવા આરોગ્ય માટે ભારે હાનિકારક પદાર્થો નાખી ચિક્કી બનાવવાનો મામલો સામે આવ્યાની ઘટનાની શાહી હજુ તો સુકાઈ નથી ત્યાં રાજકોટમાં ફરી એકવાર આરોગ્ય વિભાગે ચિક્કીના પ્રોડક્શન યુનિટ પર પાડેલા દરોડામાં ૪૭૬ કિલો જેટલો અખાદ્ય અને પડતર ચિક્કીના જથ્થાનો નાશ કરાયો છે જ્યારે આ મામલે ચિક્કી બનાવતી વખતે રાખવામાં આવેલી બેદરકારી અને ક્ષતિ લઈને વેપારીઓને નોટિસ ફટકારી છે. શિયાળાની ઋતુમાં ઉત્તરાયણ નજીક આવતા બજારમાં ચિક્કી અને કચરિયાની માંગમાં વધારો થાય છે ત્યારે વધુ નફો રળી લેવાના હેતુથી કેટલાક વેપારીઓ ખાનારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યા વગર હલકી કક્ષાનો માલ વાપરી તેમજ ગમે ત્યાં આવી ચિક્કીનું ઉત્પાદન કરે છે. રાજકોટમાં આવી જ ઘટના માત્ર એક અઠવાડિયાના ગાળામાં બીજી વાર સામે આવી છે. રાજકોટમાં ફરી એક વખત આરોગ્ય વિભાગે ચિક્કીના વેપારીઓ અને તેમના પ્રોડક્શન યુનિટ પર દરોડા પાડ્યા હતા. જેમાં ૪૭૬ કિલો અખાદ્ય તેમજ પડતર ચિક્કીના જથ્થાનો નાશ કરાયો છે. આરોગ્ય વિભાગે હાશ ચિક્કી, ગણેશ ચિક્કી, ભાવના ગૃહઉદ્યોગ, અખિલેશ ચિક્કી અને સંગમ ચિક્કીને નોટિસ ફટકારી છે. આ તમામ જગ્યાએ યોગ્ય વાસણના બદલે સીધી જ જમીન ઉપર વસ્તુ બનાવવામાં આવતી હતી. આ સાથે જ અખિલેશ ચિક્કી, રાજેશ ચિક્કી, મોહિની સિઝન સ્ટોર અને મધુર મિઠાશ જેવી નામાંકિત બ્રાન્ડના નમૂના પણ લેવામાં આવ્યા હતા. રાખવામાં આવેલી ક્ષતિને લઈને નોટિસ ફટકારી છે. આ તમામ જગ્યાએ વાસણના બદલે સીધા જ જમીન ઉપર વસ્તુ બનાવવામાં આવતી હતી તો સાથે જ ચાર નામાંકિત બ્રાન્ડના નમૂના પણ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ઉત્તરાયણના પર્વમાં ખૂબ જ વેંચાતા ચિક્કીના વેપારીઓને ટાર્ગેટ બનાવીને જાહેર આરોગ્યની જાળવણી માટે હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીને લોકોમાંથી આવકાર મળી રહ્યો છે. જો કે, નમૂના લેવાયા બાદ અને નોટિસ ફટકાર્યા બાદ થોડા સમય પછી બધુ ભીનુ સંકેલી લેવાના બદલે સજા થાય ત્યાં સુધીની કાર્યવાહી કરાય તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી છે.