અમદાવાદથી ૭૦ ડૉક્ટરોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર મૂકાયા •IMAએ ડૉક્ટરો માટે રેડ એલર્ટ જાહેર કર્યું; હોસ્પિટલોમાં જિંદગી જીવવા સાથે સાવચેતી પણ જરૂરી

 

(સંવાદદાતા દ્વારા)

અમદાવાદ, તા.૧૦

રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા બાદ રાજકોટ કોરોના વાયરસનું હોટસ્પોટ બની રહ્યું છે. તેમાંય સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ૧રપ જેટલા ડૉક્ટરો પણ કોરોના સંક્રમિત થતાં હાહાકાર મચી ગયો છે. રાજકોટના તબીબો પણ કોરોનાની ઝપેટમાં આવતા અમદાવાદથી ૭૦ ડૉક્ટરો રાજકોટ સિવિલમાં ફરજ પર મૂકવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર બની રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના જ હોમટાઉન રાજકોટમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતી જતા જોઈ ગત ગુરૂવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા માહિતી મેળવી હતી, જે સ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આપે છે. હવે કોરોનાની સારવાર કરતા તબીબો જ કોરોનાગ્રસ્ત થવા લાગતા દર્દીઓની સારવાર પર ગંભીર અસર પડી શકે છે. અત્યાર સુધી રાજકોટના ૧રપ ડૉક્ટરો કોરોનાગ્રસ્ત બન્યા છે. તેમાં રપ ડૉક્ટરો સારવાર હેઠળ છે, જ્યારે બાકીના આઈસોલેશનમાં છે. આથી ૧૪ દિવસ સુધી આ ડૉક્ટરો સારવાર કરી શકતા નથી. આ ઉપરાંત સર્વેની કામગીરી કરતા આરોગ્યકર્મીઓ, પેરામેડિકલ સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. રાજકોટમાં સ્થિતિ અતિગંભીર બની ગઈ હોવાથી ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પોતાના સભ્યોને સાવચેતી રાખવા વિનંતી કરી છે. આઈએમએએ જણાવ્યું છે કે, કોરોનાથી આપણા ૧૦૦થી વધુ સભ્યો સંક્રમિત થઈ ચૂકયા છે. જેમાંથી કેટલાક વિવિધ હોસ્પિટલોમાં દાખલ છે તો બાકીના તેમના ઘરોમાં આઈસોલેટ છે. કેટલાક સભ્યો સાજા પણ થઈ ચૂકયા છે. તેમણે મહત્ત્વની બાબત અંગે તેમના સભ્યોનું ધ્યાન દોર્યું હતું કે, માત્ર હોસ્પિટલોમાં જ પોતાની જિંદગી જીવવાની છે. સાથે સાથે અત્યંત સાવચેતી પણ જરૂરી છે. હોસ્પિટલમાં હોવ, ત્યારે યોગ્ય અને સ્ટાન્ડર્ડ માસ્ક, ફેસશિલ્ડ, મોજા, એપ્રોનનો ઉપયોગ કરો, દર્દી અને સગાઓ સાથે વાતચીત કરતી વખતે સલામત અંતર જાળવી રાખે, તમારા દવાખાનામાં દર્દીઓ સાથે માત્ર એક વ્યક્તિને જ પ્રવેશ આપવો, ઝીંક, વિટામીન-સી અને ડીનો સતત ઉપયોગ કરે ઈમ્યુનિટી જળવાઈ રહે તેવા પગલાં ભરે તેવી સલાહ આપી છે. દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે અમદાવાદથી ૭૦ ડૉક્ટરોને ફરજ પર મૂકાયા હોવાનું તેમજ રેસિડેન્ટ ડૉક્ટરો અને ઈન્ટરશિપ ડૉક્ટરોને પણ ફરજ સોંપાઈ હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.