રાજકોટ, તા.૨
રાજકોટ જિલ્લા બેન્કની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. આગામી ૨૬મી જુલાઈએ ૧૭ બેઠકો પર ચૂંટણીનું મતદાન થશે. જેના માટે ૭ જુલાઈએ ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવશે. બીજી બાજુ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયાની સાથે રાજકોટમાં સહકારી રાજકારણમાં ચહલપહલ શરૂ થઇ ગઇ છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકની પહેલા ચૂંટણીનો કાર્યક્રમ ૩૦ માર્ચથી શરૂ થવાનો હતો પરંતુ કોરોનાના કારણે પાછી ઠેલાઈ હતી. જેથી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી માટે આગામી ૭ જુલાઈથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ૨૬ જુલાઈના રોજ ૧૭ બેઠક માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં એક ખાસ વાત એ છે કે પહેલીવાર વિઠ્ઠલ રાદડીયાની ગેરહાજરીમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકની ચૂંટણી યોજાશે. હાલમાં બેંકના ડિરેક્ટર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા છે. ત્યારે મોટાભાગની બેઠકો બિન હરીફ થવાની શક્યતા છે.