એક ભાઈએ એલએલબી અને બહેને સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે, ત્રણેયની  માનસિક હાલત ખરાબ, વાળ કાપી, દાઢી બનાવી, નવડાવીને નવા કપડાં પહેરાવાયા

રાજકોટ, તા.ર૭
રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક જ ઓરડીમાં છેલ્લા ૧૦ વર્ષથી બે ભાઈ અને એક બહેન રહેતા હતા. જેમની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. જેઓને દરવાજા તોડી બહાર કઢાયા હતા. બનાવની વિગત અનુસાર કિસાનપરા ચોક શેરી નં.૮મા બે ભાઈ અને એક બહેન રહેતા હતા. જેમને તેમના પિતા નવીનભાઈ (ઉ.વ.૮ર) જમવાનું પહોંચાડતા હતા. આ અંગેની જાણ સાથી સેવા ગ્રુપને કરાતા જલ્પાબેન પટેલ અને તેમની ટીમ દોડી ગઈ હતી અને દરવાજો ખોલવા જણાવ્યું હતું. પરંતુ ત્રણેયમાંથી એકેયે દરવાજો ખોલ્યો નહીં મકાનની ડેલી આ સાથી સેવા ગ્રુપના એક સભ્યએ દીવાલ ઓળંગી ખોલી હતી, જ્યારે દરવાજો ન ખોલતા તેમના પિતાએ ખોલવા ઘણી આજીજી કરી હતી. પરંતુ ન ખોલતા આ ટીમે દરવાજો તોડી નાખ્યો હતો. જેમાં અંદરનું દૃશ્ય જોઈ તેઓ ચોંકી ઊઠ્યા હતા. ત્રણેય ભાઈ-બહેનના વાળ વધી ગયેલા જોવા મળ્યા હતા. તેઓની માનસિક સ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ હોય તેવું લાગતું હતું. ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમણે પહેરેલા કપડા દુર્ગંધ મારતા હતા. રૂમમાં મેલા કપડા અને પેપરો પડ્યા હતા. ગ્રુપના સભ્યોએ તમામના વાળ કાપ્યા હતા અને બંને ભાઈની દાઢી કરી હતી. બાદમાં ત્રણેયને નવડાવી નવા કપડા પહેરાવ્યા હતા. નવીનભાઈના મોટા પુત્રએ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. દીકરીએ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. નાનો દીકરો ક્રિકેટ રમતો હતો. નવીનભાઈ નિવૃત્ત સરકારી કર્મચારી છે ત્રણેય ભાઈ-બહેનની ઉંમર ૩૦થી ૪ર વર્ષની છે.