(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
દિલ્હીમાં હિંસા મામલે કોંગ્રેસના અધ્યક્ષસોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓએ રાષ્ટ્રપતિ કોવિંદને આવેદનપત્ર સોંપીને વિરોધ દર્શાવ્યો હતો. રાષ્ટ્રપતિને આવેદનપત્ર સોંપ્યા બાદ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, અમે નાગરિકોના જીવન, આઝાદી અને સંપત્તિને સુરક્ષિત રાખવાની માગણી કરી છે. આ સાથે જ એવી પણ માગ કરી છે કે, કેન્દ્રીય ગૃહમંત્રીને હિંસા કાબૂ ના કરવા બદલ પદ પરથી તરત હટાવવામાં આવે. જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે, અમે રાષ્ટ્રપતિ સમક્ષ અપીલ કરી છે કે, તેઓ પોતાની શક્તિનો ઉપયોગ કરીને ‘રાજધર્મ’નું રક્ષણ કરે. મનમોહનસિંહે કહ્યું કે, રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને પાછલા ચાર દિવસથી દિલ્હીમાં જે કાંઇ થયું તે અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી અને એ શરમજનક છે કે, ૩૫ લોકોનાં મોત અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ જણાવે છે કે, સરકાર કેવી રીતે એકદમ નિષ્ફળ રહી છે.
કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માગ કરતો ઠરાવ પસાર કરાયાના બીજા દિવસે સોનિયા ગાંધીની આગેવાનીવાળું કોંગ્રેસ પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યું હતું અને અમિત શાહની હકાલપટ્ટી કરવાની માગ કરતું આવેદનપત્ર સોંપ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન બહાર મીડિયા સાથે વાત કરતા પ્રતિનિધિમંડળમાં સામેલ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દિલ્હીના તોફાનોને રાષ્ટ્રીય શરમ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, અમે રાષ્ટ્રપતિને તેમની સત્તાનો ઉપયોગ કરીને રાજધર્મનું રક્ષણ કરવાની અપીલ કરી છે. રાષ્ટ્રપતિને પોતાની બંધારણીય સત્તાનો ઉપયોગ કરવાનું આહવાન કરતા લોકોનું જીવન, આઝાદી અને સંપત્તિનું રક્ષણ કરવાનું આહવાન કરતા સોનિયા ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહને તાત્કાલિક પદ પરથી હટાવવાની માગણી કરી હતી. મોદી સરકાર અને આપ સરકાર પર મૂક પ્રેક્ષક બનવાનો આરોપ મુકતા સોનિયા ગાંધીએ જણાવ્યું કે, દિલ્હીના હિંસામાં કેન્દ્ર અને આપ સરકાર મૂકપ્રેક્ષક બની રહ્યા છે. આવેદનપત્રમાં અમે રાષ્ટ્રપતિ કોવિંદને અમારી માગણીઓ સોંપી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મૂકપ્રેક્ષક બની રહેતા અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. વેપારી સંસ્થાનોમાં મોટાપાયે લૂંટફાટ થઇ હતી. રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, તેઓ અમારી માગને ગંભીરતાથી લેશે અને અમે તેમના જવાબથી સંતુષ્ટ છીએ. આવેદનપત્રમાં જણાવ્યું હતુ ંકે, આ હિંસા છેલ્લાચાર દિવસથી ચાલી રહી છે અને તમે જોયું છે કે, દિલ્હીની ચાલુ વિધાનસભા ચૂંટણીથી અત્યારસુધી ભાજપના નેતાઓ દ્વારા જાણીજોઇને કરાતી ઉશ્કેરણીના બીજ રોપવામાં આવ્યા છે અને આ દેશના નાગરિકો વચ્ચે નફરત તથા ભાગલા પાડવાની વ્યવસ્થિત નીતિ ઘડાઇ છે. તેમાં વધુમાં જણાવાયું છે કે, રાષ્ટ્રપતિ જી તમને યાદ હશે કે, આ વર્ષે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ હતી. ગાંધીજીએ અહિંસા, કરૂણા, ભાઇચારા અને એકતાના પ્રતીક રહ્યા છે જે આપણા બંધારણ અને બચેલી લોકશાહીના સ્તંભના આધાર છે.